અમદાવાદમાં પ્લેન ક્રેશ: PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી સ્થિતિની સમીક્ષા કરી | મુંબઈ સમાચાર

અમદાવાદમાં પ્લેન ક્રેશ: PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી સ્થિતિની સમીક્ષા કરી

અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિતકાળ સુધી બંધ, ફ્લાઈટ્સ સ્થગિત

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારમાં આજે, બપોરે લગભગ 1:38 વાગ્યે એર ઈન્ડિયાનું વિમાન AI171 દુર્ઘટનાગ્રસ્ત થયું, જે લંડન ગેટવિક જઈ રહ્યું હતું. એર ઇન્ડિયા દ્વારા 105ના મોતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ દુર્ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી અને ચાલી રહેલી બચાવ કામગીરીની વિગતો મેળવી હતી અને ઝડપી તથા અસરકારક રાહત પ્રયાસો સુનિશ્ચિત કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

પ્લેન ક્રેશ થવાને કારણે અમદાવાદ એરપોર્ટ પર અનિશ્ચિતકાળ સુધી બંધ કરવામાં આવ્યું છે, જ્યારે તમામ ફ્લાઈટ્સ આગામી નિર્દેશ મળે નહીં ત્યાં સુધી ઉડાન ભરવાનું સ્થગિત રાખવામાં આવ્યું છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ગ્રીન કોરિડોર ઊભો કરીને ખસેડવામાં આવ્યા હતા.

નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પર નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરી કહ્યું, ‘અમદાવાદમાં થયેલી દુર્ઘટનાથી સ્તબ્ધ અને દુઃખી છું. આ શબ્દોમાં વર્ણવી ન શકાય તેવું હૃદયદ્રાવક છે. આ દુઃખની ઘડીમાં, મારી સંવેદના અસરગ્રસ્ત થયેલા દરેક વ્યક્તિ સાથે છે. અસરગ્રસ્તોને મદદ કરવા માટે કામ કરી રહેલા પ્રધાનો અને અધિકારીઓ સાથે સંપર્કમાં છું.”

આ પણ વાંચો -‏‏‎ અમદાવાદ પ્લેન ક્રેશઃ કોણ છે કેપ્ટન સુમિત સબરવાલ અને ક્લાઈવ…

શહેર પોલીસના તમામ કર્મચારીઓની રજા રદ
અમદાવાદ વિમાનની ઘટનાને પગલે શહેર પોલીસના તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને ઘટના સ્થળેથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા હેલ્પ લાઈન નંબર 011-24610843, 9650391859, 9974111327 જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ શરુ કર્યો છે

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button