અમદાવાદટોપ ન્યૂઝ

વિજયભાઈએ મને ભાઈ જેટલો પ્રેમ આપ્યો અને તેમના કામો જેટલા યાદ કરો તેટલા ઓછાઃ નીતિન પટેલ

પેટાઃ આજે પણ અમારી બંનેની કામગીરીથી લોકો યાદ કરે છે

ગાંધીનગરઃ અમદાવાદના મેઘાણીનગરમાં ગુરુવારે સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નિધન થયું હતું. પીએમ મોદીએ આજે વિજય રૂપાણીના પત્ની અંજલીબેનને મળીને સાંત્વના પાઠવી હતી.

અમારા વચ્ચે દોઢ મહિનાનો છે તફાવત

પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના કેબિનેટ સાથી અને તત્કાલીન નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પણ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, વિજયભાઈને મારા પર એક ભાઈ જેટલો પ્રેમ હતો, અમારા બન્નેની ઉંમરમાં દોઢ મહિનાનો તફાવત છે. પક્ષે આપણને મુખ્ય પ્રધાન બનાવ્યા આજે પક્ષના આદેશથી હું રાજીનામુ આપું છું તેવું મને કહ્યું હતું. પંજાબના પ્રભારી તરીકે પેટા ચૂંટણીની કામગીરી આટોપી તેઓ નીકળ્યા હતા.

ગુજરાતના લોકોને લાગ્યો મોટો આઘાત

નીતિનભાઈ પટેલે કહ્યું, વિશ્વના અકસ્માતોમાં મોટો અકસ્માત કહી શકાય તેવી આ ઘટના બની હતી. ગઈકાલના અકસ્માતમાં ઘણા લોકોના મોત થયા છે. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન અને અમારા સાથી વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયુ છે. આખા દેશમાં આઘાતનું વાતાવરણ હતું. આ સમાચાર ફ્લેશ થયા ત્યારથી આખા ગુજરાતના લોકોમાં આઘાત છે.

કોરોના સમયે રાતદિવસ કામ કર્યું હતું

નીતિનભાઈ પટેલે વધુમાં કહ્યું હતું કે વિજયભાઈએ ભાજપના કોર્પોરેટરથી રાજનીતિની શરૂઆત કરી હતી. પ્રદેશ સુધીની વિજયભાઈની રાજકીય સફર હતી. તેઓ મુખ્ય પ્રધાન બન્યા હતા ત્યારે મેં પણ નાયબ મુખ્ય પ્રધાનની જવાબદારી નિભાવી હતી. આજે પણ અમને અમારી કામગીરીથી લોકો યાદ કરે છે. કોરોના સમયે મેં અને વિજયભાઈ રાતદિવસ કામગીરીઓ કરી હતી. કોરોના સમયે મુખ્ય પ્રધાનના નિવાસ સ્થાને કોર ગ્રુપની મીટિંગ થતી હતી. અધિકારી પાસેથી વિજયભાઈ રોજ રિવ્યુ લેતા હતા. અમે રાતોરાત અનેક હોસ્પિટલો શરૂ કરી હતી.

આ પણ વાંચો -‏‏‎ કોઈકનો દીકરો તો કોઈકની માતાઃ હવે સ્વજનોના મૃત ચહેરા જોવા…

સૌરાષ્ટ્રમાં પાણી પહોચાડવા માટે વિજયભાઈએ અનેક કામ કર્યા હતા. સૌની યોજનામાં નાણાં પણ મોટા પ્રમાણમાં ફાળવતા હતા. જીવદયાના પણ તેઓ ખૂબ ઉપાસક હતા. ચાઈનીઝ દોરી પર તેમણે પ્રતિબંધ મૂક્યો હતો. કોઈ પણ દિવસ બિન જરુરી કામગીરીમાં તેઓ વિક્ષેપ ક્યારેય ન કરતા. આજે વિજયભાઈ અને તેમના કામો જેટલા યાદ કરો તેટલા ઓછા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button