અમદાવાદ પ્લેન ક્રેશના છ મૃતકોના પરિવારોએ ફરીથી અંતિમ સંસ્કાર કરવા પડશે, જાણો વિગતો…

અમદાવાદ: અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા વ્યક્તિના સ્વજનો માટે ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં હવે હોસ્પિટલ સત્તાવાળાઓએ છ પરિવારના લોકોને હવે મૃતદેહોના અવશેષનો બીજો સેટ આપ્યો છે. જેના પગલે આ બધા પરિવારોને ફરી એકવાર અંતિમ સંસ્કાર કરવા પડશે. અમદાવાદની બીજે મેડિકલ કોલેજના દુર્ઘટના સ્થળ પરથી બધા માનવ અંગો એકત્રિત કરવામાં આવ્યા હતા. ડીએનએ મેચિંગમાં છ પરિવારોના ડીએનએ અવશેષો મેચ થયા છે. એર ઇન્ડિયાની લંડન ગેટવિક ફ્લાઇટ 12 જૂનના રોજ અમદાવાદમાં ક્રેશ થઈ હતી. અકસ્માતના 22 દિવસ પછી મૃતદેહોના કેટલાક અવશેષો છ પરિવારોને સોંપવામાં આવ્યા છે.
હોસ્પિટલે પરિવારોને ફરીથી ફોન કર્યો
આ અંગે મળતી માહિતી મુજબ મૃતકોના સંબંધીઓ, મુસાફરો, ક્રૂ સભ્યો, ડોકટરો, તેમના સંબંધીઓ અને સ્થાનિક રહેવાસીઓનું સંમતિ ફોર્મ લેવામાં આવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ફોર્મમાં હોસ્પિટલ દ્વારા સ્થળની વધુ સફાઈ અથવા તબીબી વિશ્લેષણ દરમિયાન મળે તો અવશેષોના અંતિમ સંસ્કાર કરવાની પરવાનગી માંગવામાં આવી હતી. જે પીડિત પરિવારોને અવશેષોનો બીજો સેટ આપવામાં આવ્યો છે તેઓ ગુજરાતના વિવિધ ભાગોમાંથી છે જેમાં આણંદ, નડિયાદ અને અમદાવાદનો સમાવેશ થાય છે. ડીએનએ મેચિંગના કિસ્સામાં હોસ્પિટલ સત્તાવાળાઓને તેમનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું હતું.
બીજી વખત અંતિમ સંસ્કાર કરવા પડશે
હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું કે એક જ વ્યક્તિ માટે એક કરતા વધુ અંતિમ સંસ્કાર કરવા દુર્લભ છે. પરંતુ આ કિસ્સામાં પરિવારો પાસે ડીએનએ મેચિંગ અને નશ્વર અવશેષો સોંપવાનું પ્રમાણપત્ર છે. આમ, અવશેષોનું એક કરતા વધુ વખત અગ્નિસંસ્કાર કરવામાં આવે તો પણ કોઈ સમસ્યા રહેશે નહીં. સૂત્રોએ જણાવ્યું હતું કે બાકીના 10 પીડિતોમાંથી નવના પરિવારોએ હોસ્પિટલ દ્વારા અગ્નિસંસ્કાર માટે સંમતિ આપી છે. જ્યારે એક પીડિતના પરિવારના પ્રતિભાવની રાહ જોવાઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અવશેષોનો નવો સેટ પહેલા કરતા ઘણો નાનો છે.
આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે હવે આ બાબતે પણ કરવામાં આવશે તપાસ, એજન્સી એલર્ટ…