અમદાવાદ વિમાન દુર્ઘટનાના બાદ મેસમાં વિદ્યાર્થીઓ થયા એકત્ર, કર્યા પૂજાપાઠ…

અમદાવાદઃ શહેરમાં એર ઈન્ડિયાની એઆઈ-171 નંબરની ફ્લાઈટ લંડન જતી વખતે બી જે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં મેડિકલના ચાર વિદ્યાર્થીઓના મોત થયા હતા અને 24 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાના 12 દિવસ બાદ બી જે મેડિકલ કોલેજના ઈન્ટર્ન ડોક્ટરો એકત્ર થયા હતા અને નવી પ્રીમાઈસીસમાં મેસની શરૂઆત માટે પૂજા પાઠ કર્યા હતા.
વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે, દુર્ઘટનાના 12 દિવસ બાદ અમે ફરી એકત્ર થયા છીએ. તમામ પ્રતિકૂળતાઓનો સામનો કરીને અથાક કામ કર્યું અને વ્યક્તિગત નુકસાન સહન કરવાનો પડકાર ઝીલ્યો અને તેમ છતાં વિમાન દુર્ઘટનામાં સેંકડો મૃત્યુ પામેલા અને ઘાયલો માટે ફરજ પર હાજર રહ્યા છીએ. અમારી સામે ઘણા પડકારો છે. આવા સંજોગોમાં આ નવી મેસ અમારા માટે નવી આશાનો સંચાર છે.

વિદ્યાર્થીઓ દ્વારા સોપાનમ 7-8 અને અતુલ્યમ 11-12માં પૂજા કરવામાં આવી હતી. મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને નવી શરૂઆત માટે આશીર્વાદ માંગ્યા હતા. આ ખુલ્લી જગ્યાઓ હાલમાં સ્ટોવ અને વાસણોથી સજ્જ કામચલાઉ રસોડામાં રૂપાંતરિત કરવામાં આવી છે.
મહાપ્રસાદ બનાવવામાં આવ્યો
કેટલીક મહિલા રસોઈયા પાછી આવી હતી. કારણકે લગભગ 650 જેટલા ડોકટરો, વિદ્યાર્થીઓ અને ઇમારતોના નિવાસીઓ માટે મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. વિમાન દુર્ઘટના બની ત્યારે મેસના કેટલાક રસોઈયા પણ ઘાયલ થયા હતા અને તેઓ હજુ રિકવર થઈ રહ્યા છે. તેઓ ટૂંક સમયમાં સ્વસ્થ થઈ જશે. વિમાનમાં દુર્ઘટનામાં ડાઈનિંગ ટેબલ-ખુરશી આગમાં સ્વાહા થઈ ગયા હોવાથી હાલ ફક્ત ટિફિનની જ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. પરીક્ષાઓ નજીક આવી રહી છે, અને નિયમિત ભોજનની ખાતરી કરવી એ પ્રાથમિકતા હતી. લગભગ એક મહિના પછી પરીક્ષાઓ પૂરી થયા પછી બધું વ્યવસ્થિત થઈ જશે તેવી આશા છે.
શું હતો મુખ્ય પડકાર
હોસ્ટેલ મેસ સહિત ઓછામાં ઓછી ત્રણ ઇમારતોને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થયા પછી, સત્તાવાળાઓ માટે મુખ્ય પડકાર મૂળભૂત સુવિધાઓની વ્યવસ્થા કરવાનો હતો. ઘાયલોની સારવારમાં સીધા સામેલ ન હોય તેવા મેડિકોને સત્તાવાળાઓ દ્વારા ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. આ પગલું મેડિકલ વિદ્યાર્થીઓના માતાપિતા અને સંબંધીઓની ચિંતા ઓછી કરવા માટે પણ હતું, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
રાજ્ય સરકારે જરૂરી વાસણો અને એક મહિના માટે રાશનની વ્યવસ્થા કરી આપી
બી.જે. મેડિકલ કોલેજના ડીન ડો. મીનાક્ષી પરીખે જણાવ્યું કે વિદ્યાર્થીઓએ મેસ સ્થાપિત કરવાની પહેલ કરી છે જે હાલમાં તેમના દ્વારા સંચાલિત પણ કરવામાં આવશે. રાજ્ય સરકારે જરૂરી વાસણો અને એક મહિના માટે રાશનની વ્યવસ્થા કરી છે. અમે સત્તાવાળાઓને ઘટનામાં નુકસાન થયેલા પાણી અને ગટર જોડાણને ફરી શરૂ કરવાની પણ વિનંતી કરી છે.