અમદાવાદ પ્લેન ક્રેશ: એર ઇન્ડિયાનો સંસદીય સમિતિને જવાબ, ‘ડ્રીમલાઈનર સૌથી સુરક્ષિત વિમાન’

અમદાવાદ: ૧૨ જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં સર્જાયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસનો પ્રાથમિક અહેવાલ નાગરિક ઉડ્ડયન મંત્રાલય સમક્ષ રજૂ કરવામાં આવ્યો હોવાની વિગતો છે.
મીડિયા અહેવાલો અનુસાર પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસ કરનાર એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ (Aircraft Accident Investigation Bureau) એર ઈન્ડિયાની ફ્લાઇટ AI 171 પ્લેન ક્રેશ દુર્ઘટનાની પ્રાથમિક તપાસનો અહેવાલ કેન્દ્ર સરકારને સુપરત કર્યો છે. હવે એર ઈન્ડિયાએ સંસદની પબ્લિક એકાઉન્ટ કમિટી (પીએસી)ને રિપોર્ટ સોપ્યો છે, જેમાં કંપનીએ ડ્રીમલાઈનર સૌથી સુરક્ષિત હોવાનો દાવો કર્યો છે.
આપણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના અપડેટ, સવારે 8 વાગ્યા સુધીમાં 184 ડીએનએ મેચ થયા…
શું છે આ રિપોર્ટમાં?
સૂત્રોના જણાવ્યા અનુસાર આ રિપોર્ટ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની તપાસના પ્રારંભિક તારણો પર આધારિત છે. આ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત થયા હતા.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, આગળના બ્લેક બોક્સમાંથી ક્રેશ પ્રોટેક્શન મોડ્યુલ (CPM) સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું અને 25 જૂન, 2025ના રોજ મેમરી મોડ્યુલને સફળતાપૂર્વક ઍક્સેસ કરીને તેનો ડેટા AAIB લેબમાં ડાઉનલોડ કરવામાં આવ્યો હતો.
દિલ્હીમાં AAIB લેબ હવે દેશમાં જ ડીકોડ કરવા સજ્જ
ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171ના ક્રેશ પહેલાં, AAIB ક્ષતિગ્રસ્ત વિમાનો અને કેટલાક કિસ્સાઓમાં હેલિકોપ્ટરના બ્લેક બોક્સને યુકે, યુએસએ, ફ્રાન્સ, ઇટલી, કેનેડા અને રશિયા જેવા દેશોમાં વિદેશી ડીકોડિંગ કેન્દ્રોમાં મોકલતું હતું.
ભારતીય લેબ્સમાં અગાઉ ગંભીર ઉડ્ડયન દુર્ઘટનાઓમાંથી બ્લેક બોક્સ ડેટા પુનઃપ્રાપ્ત કરવા માટે જરૂરી સાધનો અને સમર્પિત સુવિધાનો અભાવ હતો. તે હવે બદલાઈ ગયું છે, અને દિલ્હીમાં AAIB લેબ હવે દેશમાં જ કોકપિટ વોઇસ રેકોર્ડર્સ (CVR) અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર્સ (FDR) બંનેને ડીકોડ કરવા માટે સંપૂર્ણ સજ્જ છે.
આપણ વાંચો: આવો છે ભારતનો પ્લેન ક્રેશ દુર્ઘટનાનો કાળો ઈતિહાસ…
એર ઇન્ડિયાએ પોતાનો જવાબ સુપરત કર્યો
તે ઉપરાંત એર ઇન્ડિયાએ સંસદની લોક લેખા સમિતિને (પબ્લિક એકાઉન્ટ કમિટી-પીએસી) અમદાવાદ પ્લેન ક્રેશ અંગે પોતાનો જવાબ સુપરત કર્યો છે. કંપનીએ બોઇંગ 787-8 ડ્રીમલાઇનરનો બચાવ કરતા જણાવ્યું કે તે સૌથી સુરક્ષિત વિમાનોમાંથી એક છે.
સંસદની એક સમિતિએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, એરલાઇન અને એરપોર્ટ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન, કેટલાક સાંસદોએ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. એરલાઈન કંપનીએ પીએસીને જણાવ્યું છે કે હાલમાં દુનિયામાં 1,000થી વધુ ડ્રીમલાઈનર વિમાન સર્વિસમાં છે.
એરલાઈન કંપનીએ પીએસીની બેઠક દરમિયાન બચાવ કર્યો છે, જે મુખ્યત્વે એરપોર્ટ ચાર્જ લગાવવા મુદ્દે ચર્ચા માટે નિર્ધારિત કરી હતી, પરંતુ 12મી જૂનના અકસ્માત પછી તણાવપૂર્ણ સત્રને કારણે ફેરફાર થયો હતો.
અમદાવાદના વિમાન અકસ્માતથી એર ઈન્ડિયા ચિંતિત
અહીં એ જણાવવાનું કે બારમી જૂનના અમદાવાદથી લંડન જનારી એર ઈન્ડિયા ફ્લાઈટે ઉડાન ભર્યાની ગણતરીની સેકન્ડમાં ક્રેશ થઈ હતી, જેમાં 241 પ્રવાસીનાં મોત થયા હતા.
આ અકસ્માત પછી એવિયેશન સેક્ટરમાં મુસાફરી કરનારા પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે એર ઈન્ડિયાએ પીએસીને જણાવ્યું છે કે આ વિમાન અકસ્માતથી કંપનીઓ ચિંતિત છે અને વિગતવાર રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે.