અમદાવાદ પ્લેન દુર્ઘટનાએ હ્રદય કંપાવ્યું! સિવિલમાં 70 થી 80 ડોક્ટર્સ 20 કલાકથી સતત સેવામાં ખડેપડે

અમદાવાદ: અમદાવાદમાં બનેલી મોટી પ્લેન દુર્ઘટનાએ દરેક લોકોને હચમચાવી નાખ્યાં છે. આ દુર્ઘટનાના દ્રશ્યો સામાન્ય વ્યક્તિ જોઈ શકે તેવા હતા જ નહીં. મેડિકલ કોલેજ હાલત ખૂબ જ ખરાબ જોવા મળી હતી. પ્લેન ક્રેશમાં જે લોકોના મોત નીપજ્યાં છે તેમના મૃતદેહોને અમદાવાદ સિવિલ ખાતે લઈ જવામાં આવ્યાં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે 70 થી 80 ડૉક્ટર્સની ટીમ ગઈકાલથી સતત ખડે પડે તૈનાત છે. અત્યાર સુધીમાં ઓળખ થઈ ગયેલા પાંચ મૃતદેહને તેમના પરિવારજનોને સન્માનભેર સોંપવામાં આવ્યા છે.
મૃતદેહોને અમદાવાદ સિવિલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે લઈ જવાયા
એર ઇન્ડિયાના અમદાવાદથી લંડન જતાં વિમાનની સર્જાયેલી કમનસીબ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓનો મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પોસ્ટ મોર્ટમ રૂમમાં લાવવામાં આવી રહ્યા છે. આ પોસ્ટ મોર્ટમ રૂમમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદના પીએસસી અને સીએસસીના ડૉક્ટર્સ સાથે સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સની તેમજ તેમની ટીમ સહિત 70 થી 80 ડોક્ટર્સ ગઈકાલથી ખડે પડે કાર્ય કરી રહ્યા છે. દુઃખની ઘડીમાં જેનાથી જે મદદ થઈ શકે તે મદદ કરવામાં આવી રહી છે.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દાઝી ગયેલા ઈજાગ્રસ્તોને સંપૂર્ણ મેડિકલ પ્રોટોકોલ સાથેની સઘન સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવી રહી છે…
— Gujarat Information (@InfoGujarat) June 13, 2025
નિષ્ણાત તબીબોના સતત મોનિટરિંગ સાથે નર્સિંગ સ્ટાફ દાઝી ગયેલા દર્દીઓની સેવા કરી રહ્યો છે.#planecrash #Ahmedabad #CivilHospital pic.twitter.com/doQ4hsz3FL
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દાઝી ગયેલા ઈજાગ્રસ્તોને સંપૂર્ણ મેડિકલ પ્રોટોકોલ સાથેની સઘન સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવી રહી છે. નિષ્ણાત તબીબોના સતત મોનિટરિંગ સાથે નર્સિંગ સ્ટાફ દાઝી ગયેલા દર્દીઓની સેવા કરી રહ્યો છે. ડૉક્ટરો સતત દર્દીઓની સેવા કરવામાં કાર્યરત જોવા મળ્યાં છે.
છેલ્લા 20 કલાકથી ડૉક્ટરો સતત સેવામાં કાર્યરત જોવા મળ્યાં
આ પોસ્ટ મોર્ટમ રૂમમાં મૃતદેહની ઓળખ થયા બાદ આ મૃતદેહને પરિવારજનો તેમજ તેમના સગાઓને સન્માનભેર સોપવવામાં આવે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ઓળખ થઈ ગયેલા એવા પાંચ મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ મૃતદેહમાં 2 રાજસ્થાન, 2 ભાવનગર અને 1 મધ્યપ્રદેશના મૃતકનો સમાવેશ થાય છે. પોસ્ટ મોર્ટમ રૂમમાંથી જેમ જેમ પરિવારો મૃતદેહની ઓળખ કરી રહ્યા છે તેમ તેમ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડૉક્ટર દ્વારા પણ સતત મૃતદેહોની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે.
આપણ વાંચો: વિમાન દુર્ઘટનાએ મૂળ કચ્છના પરિવારનો ભોગ લીધો, ત્રણ એનઆરઆઈ કચ્છીમાડું હોમાયા