
અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાના 6 મહિના થઈ ગયા છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 સહિત કુલ 260 લોકોના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટના બાદ ગુજરાતના ઓછામાં ઓછા 10 પરિવારોએ યુકેમાં સારી જિંદગી જીવવાનું સપનું છોડી દેવું પડ્યું છે. આવક, ઈમિગ્રેસન અનિશ્ચિતતા અને પારાવાર દુખનો સામનો કરતાં તેઓ વતન પરત ફર્યા છે.
માતા ગુમાવ્યા બાદ પુત્ર પરિવાર સાથે પરત ફર્યો
આ દુર્ઘટનામાં મોતને ભેટલા મોટાભાગના લોકો ગુજરાતના વતની હતા. આ અકસ્માતમાં પોતાની માતા ગુમાવનારા યુવકે કહ્યું, તેઓ મારા પુત્ર માટે હાલરડા બનાવતા અને લંડનમાં હોય ત્યારે તેને સંભળાવતા હતા. 12 જૂને તેઓ અમદાવાદ એરપોર્ટ પર સતત વીડિયો કોલ પર હતા તેથી તેમને ઈમિગ્રેશનમાં મદદ મળી હતી. તેઓ પહેલીવાર એકલા મુસાફરી કરી રહ્યા હતા. મારા દિમાગમાંથી હજુ પણ આ દિવસ ગયો નથી.
મેં મારી પત્ની અને ત્રણ વર્ષના પુત્ર સાથે સુરતમાં સ્થળાંતર કર્યું છે. મારે એક નાની બહેન છે, જેને માનસિક બીમારી છે. મારી માતા તેની એકમાત્ર સંભાળ રાખનારી હતી. અમે પહેલાથી જ કાર્ડિયાક એરેસ્ટના કારણે પિતા ગુમાવ્યા હતા. તેઓ કહે છે, મને યુકેમાં ‘ઇનડેફિનાઇટ લીવ ટુ રિમેઇન’ સ્ટેટસ મળવામાં માત્ર થોડા મહિના જ બાકી હતા. પરંતુ તે ઘટનાએ બધું બદલી નાખ્યું હતું.
વિમાન દુર્ઘટના સમયે ગર્ભવતી હતી મહિલા
અન્ય એક મહિલાએ કહ્યું કે, આ દુર્ઘટના બાદ જીવનમાં ધરખમ પરિવર્તન આવ્યું છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મારા પતિ અને પુત્રનું મોત થયું હતું. મારા પતિ તેમના ભવિષ્યનું નિર્માણ કરવા માટે અથાક મહેનત કરતા હતા. એક મોટી ઇ-કોમર્સ કંપનીમાં ફુલ ટાઈમ નોકરી કરવાની સાથે આવક વધારવા અનેક ફૂડ અને રાઈડ ડિલિવરી પ્લેટફોર્મપર પાર્ટ ટાઈમ જોબ કરતા હતા. વિદેશમાં પોતાના પરિવારની લાઈફ સેટ કરવા વચ્ચે તેઓ નિયમિતરીતે ભારતમાં રહેતા માતા-પિતાને આર્થિક સહાય મોકલતા હતા.
જયારે તે ઘટના બની ત્યારે હું ગર્ભવતી હતી, અને મારું બાળક હવે પાંચ મહિનાનું છે. અમે અમારા બાળકો માટે વધુ સારા ભવિષ્યની આશાએ માત્ર બે વર્ષ પહેલાં જ યુકે સ્થળાંતર કર્યું હતું. અમે ઈસ્ટ લંડનમાં રહેતા હતા અને ત્યાં જીવન બનાવવાનું સપનું જોયું હતું, પણ તે બધું હવે ગુમાવી દીધું છે. યુકેના બદલાતા ઇમિગ્રેશન નિયમોનો અર્થ છે કે તેમની પાસે પાછા ફરવા સિવાય કોઈ વિકલ્પ નથી.
પત્ની-પુત્ર ગુમાવ્યા બાદ પરત ન ફર્યો પતિ
દેવભૂમિ દ્વારકાના એક યુવકે લંડન પાછા ન ફરવાનું કારણ આપતાં જણાવ્યું, મારું ત્યાં હવે કોઈ નથી. મારી પત્ની અને ત્રણ વર્ષનો પુત્ર અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયા હતા. હું ત્યાં શું કરીશ? અમે વધુ સારું જીવન બનાવવાની આશા સાથે સ્થળાંતર કર્યું હતું. તે ઘટનાએ મિનિટોમાં મારી આખી દુનિયા છીનવી લીધી. પરિવાર પાસે પાછા ફર્યા પછી કામ ફરી શરૂ કરવાની હિંમત કે માનસિક શક્તિ તેમને મળી ન હોવાનું સ્વીકાર્યું હતું.
આ દુર્ઘટના અંગે અમેરિકાની એક લૉ ફર્મના વકીલ માઈક એન્ડ્રુઝે કહ્યું, છ મહિના પૂરા થવા આવ્યા છે છતાં અસંખ્ય પરિવારો હજુ આઘાતમાં છે અને તેઓ નાણાકીય મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યા છે. યુકેની તેમની તાજેતરની મુલાકાતનો એક કિસ્સો શેર કરતાં તેમણે કહ્યું, અમે લિસેસ્ટરમાં એક પરિવારને મળ્યા હતા. અમે જે મહિલાને મળ્યા તેનો પતિ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માર્યો ગતો. ઘરમાં તે એકલો જ કમાનારો વ્યક્તિ હતી. તેના મૃત્યુ બાદ પરિવારજનોએ સ્થળાંતર કરવું પડ્યું અને તેમના ત્રણ બાળકોએ પરિવારને ટેકો આપવા માટે અભ્યાસ છોડી દીધો છો. આ એક મોટો બદલાવ છે.
એક જ વ્યક્તિ રહ્યો હતો જીવીત
ઉલ્લેખનીય છે કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ જીવીત રહ્યો હતો. ઇમરજન્સી વિન્ડો સીટ પર બેસેલા વિશ્વાસ કુમાર રમેશ નામના વ્યક્તિનો સદનસીબે જીવ બચી ગયો હતો. જોકે, હાલ આ વ્યક્તિ એક માનસિક બીમારીથી પીડાઈ રહ્યો છે. વિમાન દુર્ઘટનાના દિવસને યાદ કરતા વિશ્વાસ કુમાર રમેશ કહે છે કે, “મને લાગે છે કે, હું એ જ ક્ષણોમાં ફસાયેલો છું. રાત્રે ઉંઘ આવતી નથી. જ્યારે મારો ભાઈ ન બચ્યો, તો હું કેમ બચી ગયો? આ પ્રશ્ન હંમેશા મને હંમેશા સતાવ્યા કરે છે.” આમ આ ઘટનાના કારણે તેઓની માનસિક સ્થિતિ પર ઘણી અસર પડી છે.
હાલ વિશ્વાસ કુમાર રમેશ ઇંગ્લેન્ડના લીસેસ્ટરમાં રહે છે, પરંતુ તેઓ કહે છે કે, મારું જીવન સંપુર્ણ રીતે બદલાઈ ગયું છે. રમેશ જણાવે છે કે, “હું મોટાભાગે રૂમમાં એકલો બેસી રહું છું. પત્ની કે દીકરા સાથે વાત કરતો નથી. દીમાગમાંથી એ દિવસ નીકળતો જ નથી. મારો ભાઈ મારો સહારો હતો. તેણે કાયમ મારો સાથ આપ્યો. હવે હું સાવ એકલો પડી ગયો છું. શરીરનું દુ:ખ તો મટી જશે, પરંતુ દિલનું દર્દ હજુ પણ તાજું છે.”
આ પણ વાંચો…અમદાવાદ વિમાન દુર્ઘટનાના છ મહિનાઃ પરિવારજનોને જીવનભરનો વસવસો



