અમદાવાદની જાણીતી પીજીમાં આરોગ્ય સાથે ચેડા! પાંઉમાં જીવડું, છાશમાં માખી ને શાકભાજી પણ સડેલા મળ્યા

અમદાવાદઃ શહેરની જાણીતી શિવશંકર પીજીમાં જીવાતવાળા ખોરાકનો વીડિયો વાયરલ થયો હતો. પાંઉમાં જીવડું, છાશમાં માખી અને સડેલા શાકભાજી મળી આવતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસોડાને સીલ મારવામાં આવ્યું હતું.
કેટલું ભાડું લેવામાં આવતું હતું ?
શહેરના સીજી રોડ પર આવેલી શિવશંકર પીજી બોય્ઝ હોસ્ટેલમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળવાની અને અનહાઈજેનિક ખાવાનું આપવામાં આવતું હોવા અંગે ફરિયાદ મળી હતી.ફૂડ વિભાગનું લાઇસન્સ કે રજિસ્ટ્રેશન પણ ન હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા હોસ્ટેલના રસોડાને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. શિવશંકર પીજી બોયઝ હોસ્ટેલમાં રહેવા માટે સંચાલક દ્વારા વ્યક્તિ દીઠ 10,000થી લઈ 18,000 ભાડું વસૂલવામાં આવતું હતું.
પીજીમાં રહે છે 100 લોકો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પીજી હોસ્ટેલમાં ફરિયાદ મળતા ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં સડેલા બટેકા, ડુંગળી, શાકભાજી વગેરે મળી આવ્યું હતું. જે પણ ખાવાની ચીજ વસ્તુઓ હતી તેમાં પણ જીવાત વગેરે મળી આવ્યું હતું જેના કારણે થઈને ફૂડ વિભાગ દ્વારા રસોડાને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પીજી હોસ્ટેલમાં અંદાજે 100 જેટલા યુવકો રહે છે.
વારંવાર રજૂઆત છતાં ન કરી કોઈ કાર્યવાહી
પીજી હોસ્ટેલના સંચાલકો દ્વારા રહેતાં છોકરાઓને જે જમવાનું આપવામાં આવે છે. તેઓ દ્વારા ખૂબ જ ખરાબ જમવાનું આપવામાં આવતું હોવાની ફરિયાદો કરવામાં આવી હતી. દાળ, ભાત અને રોટલી પણ એકદમ ખરાબ બનાવવામાં આવતાં હતા. જે જમવાનું બનાવવામાં આવતું હતું જે ગુણવત્તા વિનાનું હતું. આ બાબતે અવારનવાર છોકરાઓ દ્વારા પીજી હોસ્ટેલના સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ તેમના દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું.
વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી
પીજી હોસ્ટેલમાં રહેનારા છોકરાઓ ખરાબ જમવાનું હોવાને લઈને વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જે બાદ કોર્પોરેશને કાર્યવાહી કરી હતી.