અમદાવાદમાં પાલતુ શ્વાનના અંતિમ સંસ્કાર માટે પેટ ડોગ ક્રિમેટોરિયમ બન્યું

અમદાવાદ: અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા ગુજરાતમાં પેટ ડોગ ઓનર્સ માટે સૌપ્રથમવાર કોર્પોરેશન સંચાલિત સીએનજી બેઝ્ડ ક્રિમેટોરિયમ મશીન પેટ ડોગ્સની અંતિમવિધિની સુવિધા માટે કાર્યરત કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં કોર્પોરેશન સંચાલિત શહેરી વિસ્તારમાં પણ આ પ્રથમ પેટ ડોગ ક્રિમેટોરિયમ છે.
ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ થયેલા એબીસી રૂલ્સ–2023 તથા NAPRE–2030 મુજબ રખડતા કૂતરાઓના રસીકરણ અને ખસીકરણ, પેટ ડોગ રજીસ્ટ્રેશન, બીમાર કૂતરાઓની તબીબી સારવાર, ડેડીકેટેડ ફીડીંગ સ્પોટ, વેલ્ફેર પ્રવૃત્તિઓ, સારવાર તથા સાર-સંભાળ જેવી વિવિધ કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત અમલમાં મુકાઈ રહી છે. આ જ નિયમોના અનુસંધાને મૃત પેટ ડોગ્સના અંતિમ સંસ્કાર વૈજ્ઞાનિક પદ્ધતિથી કરી સદગત જીવાત્માને સન્માનપૂર્વક અંતિમ વિદાય આપવાની ઉત્તમ સુવિધા અમદાવાદ મનપા દ્વારા શરૂ કરવામાં આવી છે.
સી.એન.જી. ગેસ સંચાલિત ડોગ ક્રિમેટોરિયમ (એનિમલ ક્રિમેટર) કાર્યરત
અમદાવાદ શહેરમાં સીએનસીડી એબીસી સેન્ટર, જમાલપુર ચાર રસ્તાથી ખોડિયારનગર ચાર રસ્તા રોડ, સુએઝ પંપીંગ સ્ટેશન કેમ્પસ, બહેરામપુરા ખાતે નોર્થ ઇસ્ટ મશીન કરમસદ એજન્સી દ્વારા રૂ. 30 લાખના ખર્ચે સી.એન.જી. ગેસ સંચાલિત ડોગ ક્રિમેટોરિયમ (એનિમલ ક્રિમેટર) કાર્યરત કરાયું છે. આ ઉપરાંત, શ્વાનના ખસીકરણ ઓપરેશન દરમિયાન નીકળતા ઓર્ગનના નાશ માટે નાનું ઓર્ગન ક્રિમેટર મશીન છેલ્લા બે વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત છે.
સિસ્ટમથી ક્રિમેટર મશીન સુધી લઈ જવાની સુવિધા
આ ગેસ ફાયર્ડ ડોમેસ્ટિક ડોગ ક્રિમેટર એક સમયે ત્રણ ડોગના અંતિમ સંસ્કાર કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાં પ્રાઇમરી અને સેકન્ડરી ચેમ્બર હોવાથી દહન પ્રક્રિયા દરમિયાન ચિમનીમાંથી કોઈ દુર્ગંધ બહાર આવતી નથી. મશીનમાં મહત્તમ 850 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન સુધી કામગીરી શક્ય છે અને સામાન્ય રીતે 800°C થી 900°C તાપમાને દહન પ્રક્રિયા થાય છે. બે ડોગના અંતિમ સંસ્કાર માટે આશરે 14 યુનિટ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે.
જ્યારે એક ડોગ માટે અંદાજે રૂ. 700 જેટલો ખર્ચ આવે છે. આ મશીન પર્યાવરણીય માપદંડોને અનુરૂપ, સ્મોક ઓડરલેસ અને કલરલેસ તેમજ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે. ક્રિમેશન ચેમ્બરનું કદ આશરે 4 ફૂટ × 3 ફૂટ × 3 ફૂટ કંટ્રોલ પેનલ છે તથા ઓટોમેટ ટ્રોલી સિસ્ટમ દ્વારા મૃત પ્રાણીને અડ્યા વગર પ્લેટફોર્મ સિસ્ટમથી ક્રિમેટર મશીન સુધી લઈ જવાની સુવિધા ઉપલબ્ધ છે.
હ્યુમન ક્રિમેટોરિયમના ધોરણે અહીં અંતિમવિધિ માટે માનવસંવેદનશીલ વ્યવસ્થાઓ
હ્યુમન ક્રિમેટોરિયમના ધોરણે અહીં અંતિમવિધિ માટે માનવસંવેદનશીલ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. સીસીટીવી સુવિધા હોવાના કારણે પેટ ડોગ ઓનર પોતાના ઘરે બેઠા પોતાના પેટ ડોગની અંતિમવિધિ જોઈ શકે છે. મૃત શ્વાનના પરિવારજનો માટે 6 સિટિંગ બાકડાની વ્યવસ્થા છે, તેમજ પેટ ડોગની અંતિમવિધિ પૂર્ણ થયા બાદ પેટ ડોગની અસ્થિ/રાખને માટલીમાં ભરી લાલ કપડામાં મૂકીને સન્માનપૂર્વક પેટ ડોગ ઓનરને તેમના ઘરે સુધી આપવાની સુવિધા છે.



