અમદાવાદ

અમદાવાદના પાલડીમાં પશુ તસ્કરી કરતી કારનો અકસ્માતઃ કતલખાને લઈ જવાતી 3 ગાય અને વાછરડાને બચાવાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
શહેરના પાલડી વિસ્તારમાં વહેલી સવારે એક કારે દાણીલીમડા આંબેડકર બ્રિજથી અંજલી સુધીના બી.આર.ટી.એસ. રૂટની રેલીંગ અને સીસીટીવી કેમેરાઓને જોરદાર ટક્કર મારી તોડી પાડ્યા હતા. આ અકસ્માત બાદ કારના બોનેટ અને કાચ તૂટી ગયા હતા, જેના કારણે કાર ત્યાં જ અટકી ગઈ હતી.

આ અકસ્માત જોતા જ સ્થાનિક રહીશે પોલીસને જાણ કરી હતી. પોલીસની પી.સી.આર. વાન ઘટનાસ્થળે પહોંચતા કારમાં તપાસ કરતા ચોંકાવનારું દ્રશ્ય સામે આવ્યું હતું. કારની પાછળના ભાગે ત્રણ ગાયો અને એક વાછરડાને અત્યંત ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડાથી બાંધીને ખીચોખીચ ભરેલા હતા. આ પશુઓને કતલના ઇરાદે લઈ જવામાં આવી રહ્યા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી મકબુલ સત્તારભાઈ મન્સુરી (રહે. ધોળકા) નામના શખ્સની ધરપકડ કરી હતી, જ્યારે તેની સાથે રહેલા અન્ય બે સાગરીતો ઇમરાન ઉર્ફે મની સિપાઈ અને એઝાઝ ઉર્ફે ગટ્ટુ કસાઈ લોકોના ટોળાને જોઈને નાસી છૂટ્યા હતા.

આપણ વાચો: ગૌતસ્કરી કરનારાને જાહેરમાં ગોળી મારી દોઃ કર્ણાટકના મંત્રીએ આપ્યું ચોંકાવનારું નિવેદન

પકડાયેલા શખસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, દાણીલીમડાના નાસીર ઉર્ફે ડગરા નામના શખસે બારેજાથી આ પશુઓ કતલ કરવાના ઈરાદે ગાડીમાં ભરાવ્યા હતા. આરોપીઓ પાસે પશુઓના પરિવહન માટેની કોઈ પણ પાસ કે પરમીટ નહોતી.

પોલીસે ગેરકાયદે કતલખાને લઈ જવાતા ચારેય પશુઓને સુરક્ષિત રીતે મુક્ત કરાવી, સારસંભાળ માટે વિરાટ પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા. પોલીસે પકડાયેલા અને ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગે વાત કરતાં એસીપી (એન ડિવિઝન) એસ. એન. પટેલે જણાવ્યું હતું કે રાત્રે ૨:૩૦ વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા પાલડી પી. સી. આર. વાનને એક મહત્વનો સંદેશ મળ્યો હતો કે પાલડી હોસ્પિટલની સામે આવેલા બી. આર. ટી. એસ. રૂટ પર એક શંકાસ્પદ વાહનમાં ગાયોની હેરફેર કરવામાં આવી રહી છે.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરતા અકસ્માતગ્રસ્ત વાહનમાં બાંધેલી ત્રણ ગાયો અને એક વાછરડું મળી આવ્યું હતું.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button