અમદાવાદના નિકોલમાં ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટરને સ્થાનિકોએ ઘેર્યાઃ સ્થળ છોડીને ભાગવું પડ્યું, જુઓ વીડિયો
રોડ-ગટરની સમસ્યા પર ઉગ્ર બોલાચાલી

અમદાવાદઃ શહેરમાં દસક્રોઈ વિધાનસભાના ધારાસભ્ય ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતા બાબુ જમનાદાસ પટેલ તથા ભાજપમાંથી ચૂંટાયેલા ચાર કોર્પોરેટર અને સંગઠનનાં હોદેદારો ચૂંટણી નજીક આવતા સ્થાનિકોની સમસ્યા જાણવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન નિકોલ વિસ્તારમાં સ્થાનિક લોકોએ રોડ-રસ્તા, ગટર ઉભરાવવાની સમસ્યા, પીવાનું ચોખ્ખું પાણી ન મળવાની સમસ્યા, વરસાદી પાણી ભરાવા જેવી અનેક સમસ્યા વિશે સવાલ પૂછતા કોર્પોરેટર બળદેવ પટેલ જવાબ આપવાને બદલે ઉગ્ર થઈ ગયા હતા. હા, આ કોર્પોરેટર ગલીના ટપોરી જેવી ભાષામાં વાત કરતા નજરે પડ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.
શું છે મામલો
દસક્રોઈ વિધાનસભાના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ અને નિકોલ વોર્ડના કોર્પોરેટરોને પ્રજાજનોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. નિકોલ વિસ્તારમાં અમર જવાન સર્કલ પાસે ભાજપના ધારાસભ્ય સહિતના નેતાઓ રાઉન્ડમાં નીકળ્યા ત્યારે ફ્લેટના રહેવાસીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે કોર્પોરેટર બળદેવભાઈ પટેલ ફોન ઉપાડતા નથી. સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે ધારાસભ્ય અને કોર્પોરેટર બંને ઉગ્ર થઈ ગયા હતા. જે અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો..
આ પણ વાંચો: અમદાવાદ ભાજપમાં નનામાં પત્રથી વિસ્ફોટ : ઝેર તો ઓકયાં જાણી,જાણી !
લોકોએ એકબાદ એક પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો, જેને લઇને એક તબક્કે કોર્પોરેટર બળદેવ પટેલ અને ધારાસભ્ય બંને ઉગ્ર થઈ ગયા હતા, પરંતુ છેવટે ધારાસભ્યએ તમારે કોઈ કામ હોય તો મને મળવા આવવાનું, ફોન કરવાનો એવું કહીને શાંત પાડ્યા હતા. પ્રજાજનોને રોડ, પાણી, ગટર, સફાઈ અને લાઈટની સુવિધાના કામો કર્યા છે, તે જણાવવાની જગ્યાએ કોર્પોરેટર બળદેવ પટેલ લાઇબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર અને ઓપન પાર્ટી પ્લોટ બનાવ્યા એવું બધું બતાવવા લાગ્યા હતા. પ્રજાની વાત નહીં સાંભળતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. કોર્પોરેટરોની કામગીરીને લઈને નારાજગી જોતા એક તબક્કે ધારાસભ્ય પણ ત્યાંથી કોર્પોરેટરોને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું.
સ્થાનિકોએ રોષ ઠાલવતાં કહ્યું હતું કે, વોર્ડમાં કોર્પોરેટર ચાર હોય છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ 15000 કરોડનું હોય છે તો નિકોલમાં કેટલા વપરાયા? એવું કહીએ તો કહે આરટીઆઇ કરો તો પછી અમે તમને કેમ ચૂંટીને લાવ્યા છીએ? પ્રજાના સવાલો સાંભળવાની જગ્યાએ પોતે શું વિકાસ કર્યો છે એવું બતાવવા લાગ્યા હતા અને પછી ચલ હું તને બતાવું એમ કરીને સ્થાનિક નાગરિકનો ભાજપના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલે હાથ પકડી લીધો હતો. અન્ય વ્યક્તિએ પણ તેને પકડીને બતાવવા લઈ જાવ તેમ કહ્યું હતું. જનતાએ કહ્યું, તમે જવાબ આપવા આવ્યા છો, સવાલ કરવા આવ્યા નથી.