અમદાવાદ

અમદાવાદમાં પતિ નપુંસક હોવાથી દિયરના સ્પર્મથી પ્રેગનન્ટ થવા ડોક્ટર યુવતી પર દબાણ થતાં ફરિયાદ

અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. પતિ નપુંસક હોવાથી દિયરના સ્પર્મથી પ્રેગનન્ટ થવા ડોક્ટર યુવતી પર સાસરિયા દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. જેને લઈ ડોકટર યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

શું છે સમગ્ર મામલો

જુહાપુરામાં રહેતી 29 વર્ષીય યુવતી એક અર્બન હેલ્થ સેન્ટરમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. યુવતીએ વર્ષ 2023માં સરકારી વિભાગમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ માસ બાદ પતિએ પોતાના હાથ પર દોરાવેલા ટેટુ બાબતે પત્ની સાથે ઝઘડો કર્યો હતો. યુવતીએ પતિના ફોનની તપાસ કરતા અનેક સ્ત્રીઓ સાથેના ચેટિંગ મળ્યા હતા. જ્યારે યુવતીના સસરા પણ પોલીસ અધિકારી હોવાનું કહીને ધમકાવતા હતા.

યુવતીના લગ્નના એકાદ વર્ષ બાદ બાળક ન થતાં પતિનું મેડિકલ કરાવ્યું હતું. જેમાં તે પિતા બનવા માટે સક્ષમ ન હોવાનું તારણ આવ્યું હતું. જેથી સાસરિયાઓએ આઇવીએફનું દબાણ કરતા યુવતીએ પ્રોસેસ શરૂ કરાવી હતી. ત્રણ વાર કરેલી પ્રોસેસ બાદ પરિણામ ન મળતા સાસરિયાઓએ યુવતીને દિયરના સ્પર્મથી આઇવીએફ પ્રોસેસ કરાવવા દબાણ કર્યું હતું. યુવતીએ આ બાબતે મનાઇ કરતા પતિએ અકુદરતી સંબંધ બાધવા દબાણ કર્યું હતું. જ્યારે પરિણીતા આ સંબંધો માટે મનાઇ કરે ત્યારે પતિ તેને માનસિક શારીરિક ત્રાસ આપતો હતો.

થોડા સમય પહેલા પતિએ સૌરાષ્ટ્ર ખાતે બ્રિજના ચેકિંગ અને ટ્રેનિંગ માટે જવાનું બહાનું કર્યું હતું. જોકે, તે સમયે પરિણીતાને પતિની વિદેશ યાત્રાની ટિકિટ મળતા તેણે પતિને ફોન કરતા ફોન ઉપાડ્યા નહોતા. જે બાદ પરિણીતાના સસરા દવાખાને પહોંચી ગયા હતા અને પુત્રવધૂ સાથે ઝઘડો કર્યો હતો. સસરાએ દીકરો તો કેરાલા ગયો હોવાનું બહાનું બતાવીને ધમકી આપી હતી. પરિણીતાએ પતિનું લોકેશન તપાસતા તે થાઇલેન્ડ હોવાની જાણ થતાં પતિની ઓફિસે જઇને તપાસ કરી હતી. ત્યારે પતિ તો 15 દિવસની રજા પર ગયો હોવાનું સામે આવ્યું હતું.

પતિની ઓફિસે જવા બાબતે પણ સસરાએ પરિણીતાને ધમકાવી હતી. એક દિવસ યુવતીને તેના પતિએ તાત્કાલિક ઘરે બોલાવી હતી. યુવતી ઘરે પહોંચી ત્યારે તેના રૂમને તાળું મારી દીધું હતું. માંડમાંડ તાળું ખોલાવીને તે રૂમમાં ગઇ ત્યારે તેની સાસુ, દિયર સહિતના લોકોએ વાળ પકડીને દંડા અને લાતોથી માર માર્યો હતો. અંતે કંટાળીને યુવતીએ અભયમની મદદ લેતા વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

આપણ વાંચો:  ગુજરાતીઓ સોફ્ટ ટાર્ગેટ? રાજ્યમાં રોજ સરેરાશ 3.62 કરોડ રૂપિયા બેંક ફ્રોડમાં સ્વાહા

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button