અમદાવાદના નહેરૂનગરમાં હિટ એન્ડ રનઃ કસ્ટડીમાં આરોપીને મારનારા મૃતકના પરિવારજનો સામે પોલીસે શું કરી કાર્યવાહી?

અમદાવાદના નહેરૂનગરમાં હિટ એન્ડ રનઃ કસ્ટડીમાં આરોપીને મારનારા મૃતકના પરિવારજનો સામે પોલીસે શું કરી કાર્યવાહી?

અમદાવાદઃ નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણીના પૂતળા પાસે બે દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના બની હતી. એક બેફામ કારે BRTS કોરિડોર પાસે એક્ટિવાને ટક્કર મારતાં બે યુવકના મોત થયા હતા. આ અકસ્માત બાદ ફરાર થયેલા કારચાલક રોહન સોનીએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું.

આજે જ્યારે પોલીસ તેને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવા લઈ ગઈ, ત્યારે કોર્ટ પરિસરમાં હાજર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ રોહન સોનીને માર માર્યો હતો.

પોલીસે વચ્ચે પડીને તેને લોકોના રોષથી બચાવી કોર્ટમાં રજૂ કર્યો હતો. આ દરમિયાન મૃતકના પરિવારજનોએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. જેને લઈને પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ સાથે ગેરવર્તણૂક તેમ જ કસ્ટડીમાં રહેલા આરોપી પર હુમલો કરવાના આરોપમાં 4 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.

પોલીસ જ્યારે એક આરોપીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં લઈ જઈ રહી હતી, ત્યારે અચાનક મૃતકના સગા-સંબંધીઓ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે આરોપીને જોતા જ મારવાનું શરૂ કરી દીધું અને બૂમો પાડવા લાગ્યા કે, ‘ઈસને અપને આદમી કો મારા હૈ, ઈસકો ભી માર ડાલો.’

આ જોઈને પોલીસે તેમને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ ગુસ્સે ભરાયેલા લોકો પોલીસનું સાંભળવા તૈયાર નહોતા અને તેમની સાથે ઝપાઝપી પણ કરવા લાગ્યા.

ઘણી મુશ્કેલી બાદ પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી અને આરોપીને સુરક્ષિત રીતે કોર્ટમાં લઈ ગઈ. આ ઘટના બાદ, પોલીસે પોલીસ સાથે ઝપાઝપી કરવા અને આરોપી પર હુમલો કરવા બદલ આદિલ શેખ, ઉજેફ અજમેરી, શાહિદ મિર્ઝા અને આયમન અજમેરી નામના ચાર લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે રેસ લગાવીને નહેરૂનગર વિસ્તારમાં અકસ્માત સર્જનારા રોહન સોનીના મેટ્રોપોલિટન કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અકસ્માતમાં અશફાક અજમેરી અને અકરમ કુરેશીનું મોત થયું હતું. મૃતકો જમાલપુરના રહેવાસી હતા.

આ ઘટના બાદ સામે આવેલા સીસીટીવી પરથી એવો દાવો કરાઈ રહ્યો છે કે રોહન સોની અન્ય કાર સાથે રેસ લગાવી રહ્યો હતો જેના પરિણામે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. જોકે, પોલીસે આ મામલે પુષ્ટિ કરી નથી પરંતુ પુરાવા એકઠા કરીને તપાસ માટે મોકલી આપ્યા હતા.

આ પણ વાંચો…અમદાવાદઃ નહેરૂનગર અકસ્માત કેસ, આરોપીને કોર્ટ પરિસરમાં લોકોએ મેથીપાક ચખાડ્યો, જુઓ વીડિયો…

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button