અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું રૂ. ૧,૨૦૫ કરોડનું બજેટ મંજૂર: AI શિક્ષણ અને રમતગમત પર વિશેષ ભાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ. ૧,૨૦૫ કરોડનું ભવ્ય બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. વહીવટી અધિકારી ડો. લગધીર દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા રૂ. ૧,૨૦૦ કરોડના ડ્રાફ્ટ બજેટમાં બોર્ડના સભ્યોએ રૂ. ૫ કરોડનો વધારો સૂચવતા આ બજેટને અંતિમ મંજૂરી આપવામાં આવી હતી. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે બજેટમાં રૂ. ૫૦ કરોડનો વધારો જોવા મળ્યો હતો.
આ બજેટની સૌથી મહત્વની જાહેરાત ભવિષ્યના ટેકનોલોજી અને રમતગમત ક્ષેત્રને લઈને છે. વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના શિક્ષણ માટે રૂ. ૧ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.
આપણ વાચો: AMC સંચાલિત સ્કૂલોમાં ધો.10 સુધી મળશે ફ્રી શિક્ષણ
આ ઉપરાંત, ભવિષ્યમાં યોજાનારી ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને રમતગમતની તાલીમ આપવા અને રમતના મેદાનો વિકસાવવા માટે રૂ.10 કરોડ ફાળવવામાં આવ્યા હતા. બજેટમાં શાળાકીય માળખાના વિકાસ માટે ૩૦ નવી શાળાઓ બાંધવાનું અને હાલની ૩૬ શાળાઓમાં ૩૦૪ નવા વર્ગખંડો ઉમેરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.
બજેટની રકમની ફાળવણી પર નજર કરીએ તો, કુલ રૂ. ૧,૨૦૫ કરોડમાંથી મોટો હિસ્સો એટલે કે રૂ. ૧૦૪૪.૩૨ કરોડ પગાર અને પેન્શન પાછળ ખર્ચ થશે. જ્યારે રૂ. ૧૩૧.૨૯ કરોડ વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ માટે અને રૂ. ૨૯.૩૯ કરોડ શાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રાખવામાં આવ્યા હતા. શિક્ષણને આધુનિક બનાવવા માટે રૂ. ૨ કરોડના ખર્ચે ઓડિયો-વિઝ્યુઅલ સ્ટુડિયો પણ ઊભો કરવામાં આવશે.



