ગોવા, વારાણસીની જેમ હવે અમદાવાદની 25 લાખ મિલકતો પર મનપા QR લગાવશે…

અમદાવાદઃ શહેરમાં આવેલી અંદાજે 25 લાખથી વધુ કોમર્શિયલ-રહેણાક મિલકતો બહાર મનપા દ્વારા ક્યુઆરકોડ લગાવવામાં આવશે. મનપાની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા આ પ્લાન ઘડવામાં આવ્યો છે. આનાથી મનપાની ટેક્સની આવક પણ વધશે. તમામ મિલકતોનું જીયોગ્રાફિકલ ઈન્ફર્મેશન સિસ્ટમ (GIS) આધારિત મેપિંગ કરાશે. કોડ સ્કેન કરી લોકો મનપાને કોઈપણ પ્રકારની ફરિયાદ પણ નોંધાવી શકશે. શહેરમાં આવેલી તમામ મિલકતોનું ડ્રોનથી સર્વે કરાવી ડ્રોન ઈમેજ તૈયાર કરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરીજનોને અપાતી ડોર ટુ કોન્ટ્રાકટથી વેસ્ટ કલેકશન, પ્રોપર્ટી ટેકસ , ફાયર સેફટી સહીતની સેવાઓને આવરી લેવાશે.
ગેરકાયદે બાંધકામ પકડી શકાશે
આ અંગે રેવન્યુ કમિટિના સૂત્રોના જણાવ્યા મુજબ ક્યુઆરકોડ માટે ટૂંકમાં ટેન્ડર બહાર પડાશે. લોકોના ટેનામેન્ટ નંબરને આધારે તે તૈયાર થશે અને તે મોબાઇલ આધારિત રહેશે. એકવાર ક્યુઆરકોડ સિસ્ટમ અમલમાં આવે પછી લોકોને ટેક્સ બિલની વિગતો પણ મોબાઇલ પર મળી જશે. પ્રોફેશનલ ટેક્સ પણ આ રીતે મોકલાશે. આ ઉપરાંત જીયોગ્રાફિકલ ઈન્ફર્મેશન મેપિંગને કારણે કોઈપણ જગ્યાએ ગેરકાયદે બાંધકામ થતું હશે તો તેને પણ પકડી શકાશે અને સંબંધિત વિભાગને જાણ કરી કાર્યવાહી કરાશે. શહેરમાં આવેલી મિલકતોના ડ્રોનથી સર્વે કરી મિલકતોનું મેપીંગ કરવા સહિતની અન્ય કામગીરી કરાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામાં આવશે.
તમામ મિલકતોનો ડોર ટુ ડોર સર્વે કરાશે.કારપેટ એરીયાથી મિલકતોનુ માપ લેવા,તેના જીઓ ટેગ કરેલા ફોટા લેવા,વીજ તથા પાણી જોડાણ થી લઈ મિલકત સંબંધી તમામ માહિતી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મિલકતના આપવામાં આવેલા ટેનામેન્ટ નંબરના આધારે ડિજીટલ મોડ ઉપર મુકાશે.
દેશના બે શહેરમાં દરેક ઘર પર QR કોડ છે
વારાણસી અને ગોવામાં અત્યારે તમામ ઘરોમાં આ યોજના હેઠળ ક્યુઆરકોડ લાગેલા છે. ત્યાં તમામ ઘરોમાં કચરો લેવા આવનાર ગાડી પણ ક્યુઆરકોડ સ્કેન કરે છે. તેમજ નાગરીકો મ્યુનિ.ને લગતી ફરિયાદો આ ક્યુઆરકોડને આધારે થઇ શકે છે. જે પ્રોજેક્ટ ધ્યાને લઇ અમદાવાદ શહેરમાં પણ આ પ્રકારનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.
આપણ વાંચો : રાજકોટ-અમદાવાદ હાઈવે પર દરગાહનું ડિમોલિશન: ટ્રસ્ટ દ્વારા દાખલ કરાયેલી અરજીને હાઇ કોર્ટે ફગાવી…