અમદાવાદ મનપાના હેલ્પલાઈન નંબર 7326 જેટલી ફરિયાદો મળી, જાણો કેટલી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો…

અમદાવાદ: ચોમાસાની ઋતૃ હોવાથી વરસાદને કરાણે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર રોડ-રસ્તાઓ પર ભૂવા પડવાની અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ હતી. આ બાબતે શહેરના નાગરીકોને વધુ હાલાકીનો સામનો ન પડે તે માટે અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશને ફરિયાદ માટેના હેલ્પલાઈન નંબરો જાહેર કર્યા હતા. આ નંબર પર નોંધાયેલી રોડ-રસ્તા અંગે ફરિયાદોનો નિકાલ યુદ્ધના ધોરણે થઈ રહ્યો છે.
આંકડાઓ પર નજર મારીએ તો, નાગરિકો દ્વારા કોર્પોરેશનને રોડ રસ્તા, પોટ હોલ, ભુવા – ખાડા, વોટર લોગીંગ જેવી સમસ્યાઓ સંબંધિત 7326 જેટલી ફરિયાદો મળી હતી. જેમાંથી મ્યુનિ. તંત્ર દ્વારા 6594 ફરિયાદોનો હકારાત્મક નિકાલ લાવવામાં આવ્યો હતો, જ્યારે બાકીની 732 જેટલી ફરિયાદોનો ઝડપથી નિકાલ કરવા તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. આમ, અમદાવાદ મનપા દ્વારા 90 ટકા ફરિયાદોનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં વરસાદને કારણે માર્ગો ઉપર પડેલા ખાડાઓ દુરસ્ત કરવાની કામગીરી હજુ પણ પૂરજોશમાં ચાલી રહી છે. ચોમાસાની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં ખાડાઓ પૂરી રોડ દુરસ્ત કરવા માટે કુલ 7529.00 મેટ્રિક ટન હોટ મિક્સ, 45000.00 ક્યુબિક મીટર વેટ મિક્સ, 25000 કોલ્ડ મિક્સ બેગનો ઉપયોગ કરી કામગીરી કરવામાં આવી છે, તથા જેટપેચર મશીન દ્વારા 14500 ચો.મી., ઇન્ફ્રારેડ મશીન દ્વારા 1500 ચો.મી ની કામગીરી કરવામાં આવી છે.
આ કામગીરી કરવા માટે મનપાના પોતાનો હોટમિક્સ પ્લાન્ટ (ક્ષમતા – 180 ટીપીએચ) તથા 1 ખાનગી એજન્સીના હોટમિક્સ પ્લાન્ટ (ક્ષમતા 160 ટીપીએચ)નો કાર્યરત છે. આ સાથે જ 10 જેટપેચર મશીનો, 5 ઇન્ફ્રારેડ મશીનો, 54 ટ્રેક્ટર ટ્રોલી, 42 છોટા હાથી (વાહન)અને 375 મજૂરો આ કામગીરીમાં કાર્યરત કરાયા છે.
નોંધનીય છે કે, હાલમાં પણ મનપા દ્વારા વૉટસએપ નંબર 7567855303 ને ટોલ ફ્રી નંબર 155303 પર રોડ રસ્તાના રિપેરિંગ-રિસર્ફેસિંગ અંગેની નાગરિકોની ફરિયાદ લેવા લેવામાં આવી રહી છે અને આ અંગેનો વ્યવસ્થિત રીતે નિકાલ થઈ રહ્યો છે. આ માટે ખાસ મનપાના ટાગોર હોલ કંટ્રોલ રૂમ અને ઝોનલ કન્ટ્રોલ રૂમ દ્વારા પણ આ દિશામાં કામગીરી કરવામાં આવે છે તથા ઝડપથી નાગરિકોની ફરિયાદોનો નિકાલ કરવામાં આવે એ પરત્વે ધ્યાન આપવામાં આવે છે.