બુલેટ ટ્રેનનું ધ્વનિ પ્રદૂષણ રોકવા 4 લાખ નોઈઝ બેરિયર્સ લગાવાયા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં રોજેરોજ પ્રગતિ થઈ રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ૫૦૮ કિમી લાંબા કોરિડોર પર મોટાભાગનું માળખાકીય અને ટેકનિકલ કામ ૯ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ ગયું છે.
પ્રોજેક્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૩૩૦ કિમીથી વધુ વાયડક્ટનું બાંધકામ પૂરું થયું છે, જ્યારે ૪૦૮ કિમીથી વધુ રૂટ પર પિયરનું કામ પૂરું થયું છે. પુલનું બાંધકામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. નદી પર બાંધવાના 25 બ્રિજમાંથી 17 બ્રિજનું કામ પૂરું થઈ ગયું હોવાનું પણ અધિકારીએ જણાવ્યું હતું.
આ સાથે નેશનલ હાઈ વે 64 અને ભારતીય રેલ્વેની ભરૂચ-દહેજ ફ્રેઇટ લાઇન પર ૨૩૦ મીટર લાંબા સ્ટીલ પુલના પ્રથમ ૧૩૦ મીટરના સ્પાનનું કામ પૂરો થયો છે. વધુમાં લગભગ ૨૬૦ ટ્રેક કિમી માટે રિઇનફોર્સ્ડ કોંક્રિટ ટ્રેક બેડનું બાંધકામ પૂર્ણ થયું છે.
આ સાથે અધિકારીએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનની કોરિડોરમાં ધ્વનિ પ્રદૂષણ ન થાય તે માટે અત્યાર સુધીમાં 4.7 લાખથી વધુ નોઈઝ બેરિયર ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. કુલ 235 કિમીના કોરિડોરમાં 4.7 લાખ કરતા વધારે નોઈઝ બેરિયર્સ લગાડવામાં આવ્યા છે.
અધિકારીના જણાવ્યા અનુસાર ઈલેક્ટ્રિફિકેશનનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. જેમાં લગભગ 85 કિમી રૂટ પર લગભગ 3,700 ઓવરહેડ ઇલેક્ટ્રિક માસ્ટ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. ટનલનું બાંધકામ પણ ચાલી રહ્યું છે, જેમાં સાત માઉન્ટેન ટનલનો પણ સમાવેશ થાય છે. મુંબઈમાં, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને શિલફાટા વચ્ચે 21 કિમી લાંબી ભૂગર્ભ ટનલમાંથી 5 કિમીનું ખોદકામ અત્યાર સુધીમાં પૂરું થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાતના તમામ બુલેટ ટ્રેન સ્ટેશનો પર સુપરસ્ટ્રક્ચરનું કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.
આ પણ વાંચો…મુંબઈ-અમદાવાદ જ નહીં, 7,000 KMમાં દોડાવાશે બુલેટ ટ્રેનઃ જાપાનમાં PM મોદીની જાહેરાત



