અમદાવાદમાં અડધી રાતે વેપારી પર જીવલેણ હુમલો, ઘટનાના CCTV વાયરલ…

અમદાવાદ: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. પુનિત નગર વિસ્તારમાં ધંધો કરતા એક મોબાઈલ વેપારી પાસે 50 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી હતી, જે તેણે ન સ્વીકારતા તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
હુમલાની વિગતવાર ઘટના
વટવા GIDC પોલીસ સ્ટેશનમાં મોબાઈલ વેપારી કમલેશ સંતાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, જય ગઢવી નામના વ્યક્તિએ અગાઉ કમલેશ પાસેથી AC ખરીદવા બાબતે રકઝક કરી હતી અને ત્યારે તેણે ધમકી આપી હતી કે “તને પરચો બતાવો પડશે.” ત્યારબાદ 2 જૂનના રોજ રાત્રે કમલેશ નૈનિતાલ ખાતે ગયો હતો ત્યારે જય ગઢવીએ તેને વ્હોટ્સએપ કોલ કરીને ધમકાવ્યો હતો કે, “પુનિત નગર ખાતે તારે ધંધો કરવો હોય તો તારે મને 50 લાખ આપવા પડશે નહીંતર હું તને ધંધો નહીં કરવા દઉં, તારી દુકાન તોડી નાખીશ અને તારા હાથ પગ પણ તોડી નાખીશ.” જય ગઢવીએ વારંવાર વ્હોટ્સએપ કોલ કરીને પૈસાની માંગણી કરી હતી.
આઠ જૂને કમલેશ અમદાવાદ પરત આવ્યો ત્યારે ફરી જય ગઢવીનો ફોન આવ્યો હતો. કમલેશે જય ગઢવીને રાત્રે બે વાગ્યે પોતાની દુકાને મળવા બોલાવ્યો હતો. કમલેશ પોતાના બે મિત્રો સાથે દુકાન પાસે ઉભો હતો તે દરમિયાન જય ગઢવી અને તેની સાથે આવેલા આઠ જેટલા અન્ય અસામાજિક તત્વોએ ભેગા મળીને કમલેશ પર દંડા અને છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કમલેશને મોઢા પર છરીના ઘા વાગ્યા હતા, ડાબા હાથે ફ્રેક્ચર થયું હતું અને પગે પણ ઈજાઓ પહોંચી હતી. વેપારીને બચાવવા માટે તેના મિત્રો વચ્ચે પડતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો. આસપાસના લોકો છોડાવવા પડ્યા છતાં આરોપીઓએ વેપારીને માર મારવાનું ચાલુ રાખ્યું હતું.
પોલીસ કામગીરી પર સવાલ
અગાઉ પણ આવા અસામાજિક તત્વોએ વસ્ત્રાલ અને ઘોડાસર જેવા વિસ્તારોમાં નિર્દોષ લોકોને જાહેરમાં માર માર્યો હોવાના કિસ્સાઓ બન્યા છે. આ ઘટનામાં પણ આરોપીઓ હથિયારો સાથે આવ્યા હતા, જે દર્શાવે છે કે આવા તત્વોનો આતંક વધી રહ્યો છે. આ પ્રકારની ઘટનાઓ શહેરમાં પોલીસના પેટ્રોલિંગ અને કામગીરી પર સવાલો ઉભા કરે છે. વટવા GIDC પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.