અમદાવાદમાં ગેમ રમતાં સંપર્કમાં આવેલી સગીરા સાથે યુવકે સંબંધ બાંધ્યા, બંગાળ ભગાડી ગયો ને…………

અમદાવાદઃ શહેરમાં માતા-પિતાની આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો હતો. ગેમ રમતાં સંપર્કમાં આવેલી સગીરા સાથે યુવકે સંબંધ બાંધ્યા હતા. જે બાદ તેને બંગાળ ભગાડી ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. એક્શનમાં આવેલી પોલીસે યુવક-સગીરાના ફોનના લોકેશનના આધારે તે ખડગપુર નજીક હોવાનું શોધી કાઢ્યું હતું અને ખડગપુર રેલવે પોલીસની મદદથી યુવકને સગીરા સાથે ટ્રેનમાંથી ઝડપી લીધો હતો. અમદાવાદ પોલીસની સતર્કતાના કારણે ખડગપુર રેલવે સ્ટેશન પરથી આરોપીને સગીરા સાથે અમદાવાદ લાવવામાં સફળતા મળી હતી.
શું છે મામલો
વેજલપુરમાં રહેતી સગીરા ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરે છે. સગીરા પાસે રહેલા સ્માર્ટફોનમાં તે ફ્રી ફાયર ગેમ રમતી હતી. ગેમ રમતા રમતા તેનો સંપર્ક પશ્ચિમ બંગાળમાં રહેતા આશિક ઉર્ફે અરમાન મહમદ અઝગર સાથે થયો હતો. શરૂઆતમાં ગેમ પૂરતી વાતચીત બાદ બંને વચ્ચે મિત્રતા વધી હતી અને છેલ્લા દોઢ વર્ષથી બંને મોબાઇલ નંબર મેળવી વોટ્સએપ પર પણ સતત સંપર્કમાં હતા. ચાલાક આશિકે સગીરાને ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરા પણ આશિકની વાતોમાં આવી ગઈ હતી. દરમિયાન 22મી જાન્યુઆરીના રોજ આશિક પશ્ચિમ બંગાળથી અમદાવાદ સગીરાને મળવા આવ્યો હતો.
સગીરાના ઘરમાં જ બાંધ્યો સંબંધ
સગીરાના ઘરમાં તે સમયે કોઈ હાજર ન હોવાથી આશિક સગીરાના ઘરે પહોંચ્યો હતો. ત્યાં તેણે સગીરાને ફોસલાવીને સંબંધ બાંધ્યો હતો. પોલીસનું કહેવું છે કે આશિક અગાઉ પણ અમદાવાદ આવી ચૂક્યો હતો અને સગીરાના ઘરે જઈ બે વખત સંબંધ બાંધ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ બાદ આશિકે સગીરાને પોતાની વાતોમાં ભોળવી તેને પોતાની સાથે પશ્ચિમ બંગાળ લઈ જવાની વાતો કરી તેનું અપહરણ કર્યું હતું. 23 જાન્યુઆરીના રોજ બંને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી પશ્ચિમ બંગાળ જવા રવાના થયા હતા.
આ રીતે પકડાયા
સગીર દીકરી ઘરમાંથી એકાએક ગુમ થઈ જતાં ચિંતિત સગીરાના પરિવારજનોએ દીકરી ગુમ થયાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. વેજલપુર પોલીસે તરત જ આ બાબતની ગંભીરતા જોઈ સગીરાના ફોનનું લોકેશન ચેક કર્યું હતું. ત્યારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સગીરા ટ્રેનમાં છે અને ટ્રેન આગળ વધી રહી છે. પોલીસે સતત તેનું લોકેશન ટ્રેસ કરતાં ટ્રેન ખડગપુર નજીક હતી.
અમદાવાદ પોલીસે ખડગપુર રેલવે પોલીસનો સંપર્ક કરી આ સગીરાની વિગતો મોકલી આપી હતી. બીજી તરફ આશિક સાથેના તેના ચેટ અને અન્ય વિગતો મળતાં પોલીસે આશિકના નંબરનું પણ લોકેશન ટ્રેક કરતાં તે પણ સગીરા સાથે જ હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે પણ ખડગપુર રેલવે પોલીસને જાણ કરાઈ હતી.
ખડગપુર રેલવે પોલીસે ટ્રેન સ્ટેશન પર રોકાતાં જ તપાસ કરી આશિકને સગીરા સાથે ઝડપી લીધો હતો. ત્યારબાદ વેજલપુર પોલીસની ટીમ ખડગપુર પહોંચી હતી. આરોપી આશિકની ધરપકડ કરી તેને અમદાવાદ લાવવામાં આવ્યો હતો, જ્યારે સગીરાને સુરક્ષિત રીતે તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી.



