મુસાફરો નોંધ લેઃ દિવાળીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રોનો સમય ઘટાડાયો

અમદાવાદઃ અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. દિવાળીના દિવસે તમામ સ્ટેશનો પરથી ઓપરેટ થતી મેટ્રો ટ્રેનના સમયમાં ત્રણ કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. શહેરમાં ફૂટતા ફટાકડાના કારણે કોઈ નુકસાન ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
વસ્ત્રાલ ગામથી થલતેજ ગામની છેલ્લી મેટ્રો ટ્રેન સાંજે 7:05 વાગ્યે ઉપડશે. થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ, એપીએમસીથી મોટેરાથી છેલ્લી મેટ્રો ટ્રેન સાંજે 7:10 વાગ્યે ઉપડશે. જ્યારે એપીએમસીથી સચિવાલય અને સચિવાલયથી એપીએમસી છેલ્લી ટ્રેન સાંજે 6:24 કલાકે ઉપડશે. નૂતન વર્ષના આરંભમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલની સગવડ મળતી થશે, જેના કારણે અમદાવાદ અને ગાંધીનગરના કુલ 68 કિલોમીટરના રૂટ પરના 53 સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે.
આ પણ વાંચો: અમદાવાદ મેટ્રોમાં અત્યાર સુધીમાં ૧૦ કરોડથી વધુ નાગરિકોએ મુસાફરી કરી; દૈનિક મુસાફરોની સંખ્યા ૧.૫ લાખ
વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન આપવામાં આવેલી માહિતી મુજબ, ગુજરાત મેટ્રોની સફર વર્ષ 2025માં નવા સીમાચિહ્નો હાંસલ કરી રહી છે. શરૂઆતમાં જ્યાં દિવસના સરેરાશ 35 હજાર મુસાફરો મુસાફરી કરતા હતા, તે આંકડો આજે વધીને 1.5 લાખ સુધી પહોંચ્યો છે. અત્યાર સુધીમાં મેટ્રોમાં કુલ 10.38 કરોડ નાગરિકોએ મુસાફરી કરી છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનએ 99.84 ટકા સમયસર સેવા આપીને મુસાફરોનો વિશ્વાસ જીત્યો છે.