અમદાવાદ

આ કારણથી ખોરવાઇ અમદાવાદ મેટ્રોની સેવા: તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કરાયું સમારકામ

અમદાવાદઃ શહેરની લાઇફ લાઇન ગણાતી અમદાવાદ મેટ્રોને વીજ પુરવઠો પૂરો પાડતા કેબલની ચોરી થવાના કારણે મેટ્રો સર્વિસ પ્રભાવિત થઈ હતી. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRCL) દ્વારા આજે (22 મે, 2025) જણાવવામાં આવ્યું છે કે ગઈકાલે રાત્રે અમદાવાદ મેટ્રોના પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં શાહપુરથી જૂના હાઈકોર્ટ સેક્શન વચ્ચે થયેલી કેબલ ચોરીના બનાવના કારણે સવારે ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ હતી. આ ઘટનાને કારણે એપેરલ પાર્કથી જૂના હાઈકોર્ટ સ્ટેશનો વચ્ચે મેટ્રો સેવાઓ ખોરવાઈ ગઈ હતી.

કેબલ ચોરીના કારણે મેટ્રો સેવા પ્રભાવિત

મળતી વિગતો પ્રમાણે, અમદાવાદ મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં શાહપુરથી જૂની હાઈકોર્ટ સેક્શન વચ્ચે બુધવારે મોડી રાત્રે કેબલ ચોરી થવાના કારણે ગુરુવારે વહેલી સવારથી જ એપરલ પાર્કથી જૂની હાઈકોર્ટ વચ્ચે ટ્રેન સેવા પ્રભાવિત થઈ હતી. જોકે, વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક અને જૂની હાઈકોર્ટથી થલતેજ ગામ સુધીની ટ્રેન સેવા પણ ટેક્નિકલ ખામીના કારણે બંધ કરવામાં આવી હતી. ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં ટ્રેને સેવાને કોઈ અસર થઈ નહોતી.

આ પણ વાંચો: અમદાવાદ મેટ્રોમાં ટેકનિકલ ફોલ્ટ સર્જાતા વસ્ત્રાલથી થલતેજનો રૂટ બંધ…

GMRCL સ્ટાફે અમદાવાદ પોલીસ અને અન્ય કોન્ટ્રાક્ટર એજન્સીઓની મદદથી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. બપોરે 01:25 કલાકે ચોરાયેલા કેબલ બદલીને અસરગ્રસ્ત ભાગને પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, બપોરે 01:37 કલાકથી નિયમિત રૂપે ટ્રેન સેવાઓનું સંચાલન ફરી શરૂ કરવામાં આવ્યું હતું.

મેટ્રો ટ્રેનનો રૂટ વહેલી સવારથી બંધ કરાયો

થલતેજથી વસ્ત્રાલ અને વસ્ત્રાલથી થલતેજ તરફ જતી મેટ્રો ટ્રેનનો રૂટ ગુરુવારે વહેલી સવારથી બંધ કરવામાં આવ્યો હતો. આ અંગે માઇક દ્વારા મુસાફરોને જાહેરાત કરવામાં આવી હતી કે, ટેક્નિકલ ખામીના કારણે થલતેજ ગામનો રૂટ અસ્થાયી રૂપે બંધ રહેશે. જોકે, વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક અને એપરલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધીની સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે. મેટ્રો ટ્રેન બંધ થતાં ઓફિસ તથા કામ ધંધે જેવા નીકળેલા લોકો હેરાન પરેશાન થયા હતા અને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button