
અમદાવાદઃ શહેરમાં મેટ્રોમાં મુસાફરી કરતાં લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. અમદાવાદ મેટ્રોમાં મુસાફરોની સંખ્યા ડિસેમ્બર 2025માં પ્રતિદિન 1.5 લાખને પાર કરી ગઈ હતી. તેમ છતાં મુસાફર દીઠ થતી સરેરાશ આવકમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. મેટ્રોની સરેરાશ મુસાફર દીઠ આવક ₹12 આસપાસ જ રહી છે.
કુલ કેટલી થઈ આવક
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, 2023માં 2.5 કરોડ મુસાફરોથી ₹32.1 કરોડ આવક થઈ હતી.
2024માં 3.7 કરોડ મુસાફરોથી ₹43.6 કરોડ અને 2025માં 4.8 કરોડ મુસાફરોથી ₹58.2 કરોડ આવક થઈ હતી. ઓક્ટોબર 2022 થી 31 ડિસેમ્બર 2025 સુધીમાં કુલ 11.5 કરોડ મુસાફરોએ મુસાફરી કરી હતી અને ₹140 કરોડની કુલ આવક થઈ હતી. વર્ષ 2025માં મુસાફર દીઠ સરેરાશ આવક ₹12.6 નોંધાઈ હતી.
મહાત્મા મંદિર સુધીના રૂટનો પ્રારંભ
મેટ્રો નેટવર્ક ઉત્તરાયણ સુધીમાં મહાત્મા મંદિર સુધી પહોંચવાની ધારણા છે. વડા પ્રધાન સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના અંતિમ સેક્શનને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવે તેવી શક્યતા છે. સચિવાલય રૂટ ઉમેરાવા છતાં મુસાફર દીઠ આવક ₹12.03 જેટલી જ રહી છે.
મેટ્રોની ફ્રીક્વન્સીમાં સુધારો થયો છે. અગાઉ દર 12 મિનિટે મળતી ટ્રેન હવે પીક અવર્સ (વધુ ભીડના સમય) દરમિયાન દર 7 મિનિટે ઉપલબ્ધ છે.
થલતેજ ગામથી વસ્ત્રાલ રૂટ પર સૌથી વધુ ભીડ જોવા મળે છે, જ્યારે APMC થી ગાંધીનગર અને ગિફ્ટ સિટી રૂટ પર મુસાફરોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. ગાંધીનગર રૂટ પર મોટાભાગના મુસાફરો વિદ્યાર્થીઓ છે. નેટવર્ક વિસ્તરણ છતાં, ઘણા રૂટ પર ટ્રેનો ખાલી પરત ફરી રહી છે.
રેલવે સ્ટેશન અને અક્ષરધામ જેવા સ્થળો જોડાવાથી ભીડ વધશે તેવી આશા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મેટ્રો સ્ટેશનોની આસપાસ પાર્કિંગની સુવિધાનો અભાવ મુસાફરોને આકર્ષવામાં મોટો અવરોધ બની રહ્યો છે. ગાંધીનગરમાં પાર્કિંગ માટે પ્લોટ ઉપલબ્ધ થઈ શકે તેમ છે, પરંતુ અમદાવાદમાં પાર્કિંગની જગ્યા ફાળવવી એક મોટી સમસ્યા છે.
ઉલ્લેખનીય છે કે આજના સમયમાં ટ્રાફિક, પેટ્રોલ-ડીઝલના ભાવ જેવી અનેક સમસ્યાઓની સામે જાહેર પરિવહન ખૂબ જ અગત્યનું માધ્યમ બનતું જાય છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો નવેમ્બર 2014માં મંજૂર થયો હતો.
માર્ચ 2019માં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી 6.5 કિમીનો પ્રથમ ભાગ શરૂ થતાં અમદાવાદના નગરજનોને નવી સફરની શરૂઆત મળી હતી. વર્ષ 2022માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 32 કિમીની લાઈનનું લોકાર્પણ થતાં મેટ્રો અમદાવાદ શહેરના ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતી લાઈન શરૂ થઈ હતી.
બીજા તબક્કામાં ગુજરાતના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદને જોડતો કુલ 28.2 કિમીનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. મોટેરાથી સેક્ટર-1 અને GIFT City સુધીનો ભાગ સપ્ટેમ્બર 2024માં શરૂ થયો જ્યારે સચિવાલય સુધીનો ભાગ એપ્રિલ 2025માં ખુલ્લો મુકાયો હતો. મેટ્રોનું ભાડું માત્ર ₹ 5 થી ₹ 40 સુધીનું રાખવામાં આવ્યું છે.



