દીકરાની વૃદ્ધ માતા સાથે નિર્દયતા, મારી નાખવાની ધમકી આપી; અમદાવાદનો આઘાતજનક કિસ્સો…
અમદાવાદ: અમદાવાદના ચાંદલોડિયામાં 37 વર્ષીય યુવાન તેની 65 વર્ષીય માતા પર અમાનવીય ત્રાસ ગુજારતો હોવાનો ચોંકાવનારો કિસ્સો જાણમાં આવ્યો (Son tortured mother in Ahmedabad) છે. પીડિત મહિલાએ તેના દીકરા વિરુદ્ધ FIR નોંધાવી છે. મહિલાએ આરોપ લગાવ્યો કે તેનો દીકરો તેના પર ત્રાસ ગુજારે છે.
આ પણ વાંચો : અમદાવાદ-ઈન્દોર હાઇવે પર અકસ્માત, 4નાં મૃત્યુ; નીલગાય રોડ વચ્ચે આવી જતાં બની દુર્ઘટના
મહિલા સચિવાલયમાં કલાર્ક હતી:
અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અહેવાલ મુજબ પીડિત મહિલા ગાંધીનગર સ્થિત સચિવાલયમાં પેન્શન પેમેન્ટ વિભાગમાં સિનિયર ક્લાર્ક તરીકે કામ કરતી હતી, જે 2008 માં નિવૃત્ત થઈ હતી. મહિલાના પતિ અમદાવાદના મિર્ઝાપુર કોર્ટમાં સ્ટેનોગ્રાફર તરીકે કામ કરતા હતા, જે વર્ષ 2016 માં નિવૃત્ત થયા હતા. વૃદ્ધ મહિલાના બાળકોમાં એક દીકરી અને એક દીકરો છે, બંનેના લગ્ન થઇ ગયા છે. વૃદ્ધ મહિલા તેના 37 વર્ષના દીકરા સાથે રહેતી.
બે વર્ષ પહેલા થયો હતો ઝઘડો:
બે વર્ષ પહેલાં, એક કાર્યક્રમ માટે મહેમાનોની યાદી બનાવતી વખતે, મહિલા અને તેના દીકરા વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી મહિલા તેના પિયર ચાલી ગઈ ગઈ. જોકે, સોસાયટીના લોકો તેને સમજાવીને દીકરા પાસે રહેવા પાછા લાવ્યા, પરંતુ દીકરાનું વર્તન બદલાઈ ગયું.
મહિલાએ આપવીતી જણાવી:
મહિલાએ ફરિયાદમાં કહ્યું કે તેમને જે પણ પેન્શન મળતું હતું, તેનો દીકરો તરત જ બેંક ખાતામાંથી ઉપાડી લેતો હતો અને દવાઓ માટે પણ પૈસા આપતો નહોતો. એક દિવસ, જ્યારે વૃદ્ધ મહિલાએ તેના પુત્ર પાસે દવા માટે પૈસા માંગ્યા, ત્યારે તેણે ગુસ્સે થઈને ચહેરા અને પીઠ પર મુક્કા માર્યા અને તેને ઘરના એક રૂમમાં બંધ કરી દીધી.
પાંચ દિવસ પહેલા દીકરાએ તેણે લાકડી વડે માર માર્યો હતો અને ડાબી આંખ પર પણ મુક્કો માર્યો હતો. તેની આંખ નીચે કાળો ડાઘ પણ પડી ગયો છે. જેના કારણે વૃદ્ધ મહિલા પીડાથી ચીસો પાડી રહી હતી અને આસપાસના લોકોને વૃદ્ધ મહિલાની હાલત વિશે ખબર પડી ગઈ.
સોસાયટીના લોકો એકઠા થઇ ગયા:
દીકરો વૃદ્ધ માતાને માર મારી રહ્યો હતો, ત્યારે સોસાયટીના લોકો ઘરે એકઠા થઈ ગયા. દીકરો તેની માતાને ધમકી આપી રહ્યો હતો કે જો તે સોસાયટીના લોકોને કંઈ કહેશે તો તેને મારી નાખશે અને મૃતદેહને બેગમાં ભરીને ક્યાંક ફેંકી દેશે.
એટલામાં જ સોસાયટીના લોકો આવી પહોંચ્યા અને આખી વાતચીત સાંભળી લીધી. તેઓ વૃદ્ધ મહિલાને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં તેમનો એક્સ-રે અને સીટી સ્કેન કરવામાં આવ્યો.
આ પણ વાંચો : અમદાવાદમાં પોર્ટરની આડમાં થતી દારૂની ખેપ ઝડપાઈ, આવી હતી મોડસ ઓપરેન્ડી
પોલીસના જણાવ્યા મુજબ વૃદ્ધ મહિલાની સારવાર ચાલુ છે. આરોપીની ધરપકડ કરવામાં આવશે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.