અમદાવાદમાં મકાનના વિવાદમાં કપાતર દીકરાએ દંડાવાળી કરી લીધો માતાનો જીવ! પોલીસે આરોપીને દબોચીઓ

અમદાવાદ: માતા અને દીકરાના સંબંધની અનેક ગાથાઓ આપણી સંસ્કૃતિનો ભાગ છે પરંતુ અમદાવાદની એક ઘટનાએ માતા અને દીકરાના સબંધને કાળી ટીલી લગાડી દીધી છે. શહેરના મકરબા વિસ્તારમાં એક કપાતર દીકરાએ જ માતાની હત્યા કરી નાખી હોવાની સનસનીખેજ ઘટના સામે આવી હતી. હત્યાના મૂળમાં સંપતીનો વિવાદ હોવાનું પણ બહાર આવ્યું હતું. હાલ પોલીસે હત્યારા દીકરાની ધરપડક કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, અમદાવાદના મકરબા વિસ્તારમાં દીકરાએ જ માતાની હત્યા કરી નાખી હોવાની સનસનીખેજ ઘટના સામે આવી હતી. ઔડાના મકાનમાં રહેતા કપિલાબેન દેવીપૂજક ઘરે હાજર હતા તે સમયે તેમનો દીકરો અજય ઘરે આવ્યો હતો. માતા-પુત્ર વચ્ચે એક ઘરને લઈને વિવાદ ચાલી રહ્યો હતો અને આથી જ અજયે ઘરના બદલામાં માતા પાસે પૈસા માંગ્યા હતા. જોકે માતાએ પૈસા આપવાની ના પાડતા દીકરો અજય ઉશ્કેરાઇ ગયો હતો.
આ મુદ્દે માતા અને દીકરા વચ્ચે ઉગ્ર વાતચીત પણ થઈ હતી, બાદમાં દીકરા અજયે માતા કપિલાબેનને બાજુમાં પડેલા દંડા વડે માથામાં ફટકા માર્યા હતા. આથી માતાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે માતાનું સારવાર દરમિયાન જ મૃત્યુ નીપજ્યું હતું. હત્યાના બનાવની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પરથી હત્યા કરનાર અજયની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. .



