
અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. કુબેરનગરમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાએ ગંભીર રૂપ ધારણ કર્યું હતું. જેમાં પતિએ પત્નીને જ્વલનશીલ પદાર્થથી જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનામાં મહિલા અને તેની માતા ગંભીર રીતે દાઝતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટના બાદ આરોપી પતિ ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં જ સરદારનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત પ્રમાણે, શહેરના કુબેરનગર વિસ્તારમાં પતિ અને પત્ની વચ્ચે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે આવેશમાં આવેલા પતિએ ઘરમાં રાખેલો જ્વલનશિલ પદાર્થ પત્ની પર છાંટીને આગ ચાંપી દીધી હતી.
પત્નીની ચીસો સાંભળીને માતા તેને બચાવવા દોડી આવી હતી, પરંતુ તે પણ આગની લપેટમાં આવી ગઈ અને ગંભીર રીતે દાઝી હતી. આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
ઝઘડાના કારણે સ્થળ પર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
આ પણ વાંચો…ગાંધીનગરમાં અંબાપુર ગામમાં યુવકની ઘાતકી હત્યા: આરોપી ઝડપાયો