
અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનમાં આવેલા કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે રિડેવલપ કરવામાં આવેલા બાલવાટિકાનું લોકાર્પણ કર્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝૂ ખાતા હસ્તક આવેલા બાલવાટિકાનું ઉદ્ઘાટન સને ૧૯૫૬માં કરવામાં આવ્યું હતું, બાલવાટિકામાં આવેલી એક્ટિવિટીઓ અત્યારના સમય અનુસાર બાળકોના બૌધ્ધિક અને શારિરીક વિકાસ થઈ શકે એ પ્રકારની બનાવવા બાલવાટિકાનું પીપીપીના ધોરણે રીડેવલોપમેન્ટ, મોર્ડનાઈઝેશન એન્ડ અપગ્રેડેશન કરવામાં આવ્યું હતું.

બાલવાટિકાનું રિ-ડેવલોપમેન્ટ, મોર્ડનાઈઝેશન એન્ડ અપગ્રેડેશન બાદ બાલવાટિકામાં આવનાર બાળકો અને વાલીઓને મનોરંજન માટે વિવિધ એક્ટિવિટીઓનો આનંદ મળશે. આ બાલવાટિકામાં એન્ટ્રી ટીકીટ સાથે કેટલીક એક્ટિવિટી નિ:શુલ્ક પણ રાખવામાં આવી છે, જેમાં કોઇન હાઉસ, કાચઘર (એ.સી.), શુ હાઉસ, લેન્ડ સ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન તેમજ ગ્વોલ સ્ટેશનનો સમાવેશ થાય છે.

22 કરોડના ખર્ચે નવીનીકરણ
ગુજરાત અને ભારતમાં સૌપ્રથમ વખત જોવા મળે એવા અવનવા મ્યુઝિયમ અને રમતગમત એક્ટિવિટીઝ સાથે આ બાલવાટિકાને આધુનિક બનાવવામાં આવી છે. બાળકોને રમવાની મજા પડી જાય એવી આ નવી મોડલ બાલવાટિકા ફન કાર્નિવલનું આજે ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું હતું. કોર્પોરેશન દ્વારા PPP ધોરણે રૂ. 22 કરોડના ખર્ચે બાલવાટિકાનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.

બાલવાટિકામાં કેટલી છે ટિકિટ
કાંકરિયા બાલવાટિકામાં નવી બનેલી બાલવાટિકા કાર્નિવલમાં અલગ જ દુનિયાનો અનુભવ થશે. હલનચલન અને અવાજ કરતા ડાયનાસોર પાર્ક, સૌથી ઊંચો ગ્લાસ ટાવર, ભુલભુલૈયા, મહાન વ્યક્તિઓની આબેહૂબ પ્રતિમાવાળું મ્યુઝિયમ, ઇલ્યુઝમ હાઉસ તેમજ રમતગમતની અલગ અલગ એક્ટિવિટી, ગો કાર્ટ, મડ રાઇડ સાથે નવી બાલવાટિકા બનીને તૈયાર થઈ ગઈ છે.

કોઈન હાઉસ, કાચનું ઘર (AC), શૂહાઉસ, લેન્ડસ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન અને ગ્લો સ્ટેશન માટે કોઈપણ ચાર્જ લેવામાં આવશે નહીં. નાનાં બાળકોથી લઇ મોટા સુધીની એન્ટ્રી ફી રૂ. 50 રહેશે. જ્યારે દરેક રાઇડની અલગ અલગ ફી નક્કી કરવામાં આવી છે. સૌથી વધુ મજા માણી શકે એવા સ્નોપાર્ક (નભોદર્શન અને જેકેટ્સ સાથે)ની ફી રૂ. 450 રાખવામાં આવી છે.

ભારતમાં સૌપ્રથમ વખત ઊંચાઈ પરથી જોવા મળતો પારદર્શકતા સાથેનો ગ્લાસ ટાવર, ગુજરાતમાં સૌપ્રથમ વખત વેક્સ મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે. બાલવાટિકામાં નાનાં બાળકોથી લઇ મોટા લોકોને પણ મનોરંજન મળશે. સેલ્ફીઝોનથી લઈને અલગ અલગ મ્યુઝિયમ, એડવેન્ચર રાઈડ વગેરે બાલવાટિકામાં જોવા મળશે.
