અમદાવાદ

વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક! અમદાવાદ ફ્લાવર શોએ એકસાથે બે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જી ઇતિહાસ રચ્યો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 14મા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 એ આ વર્ષે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. “ભારત એક ગાથા” થીમ હેઠળ આયોજિત આ ભવ્ય ફ્લાવર શોમાં વર્ષ 2026માં એક સાથે બે નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરીને ફ્લાવર શોએ સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક નોંધાવી છે, જે અમદાવાદ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.

આ વર્ષે ફ્લાવર શોમાં બે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જાયા છે. પ્રથમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વિશ્વના સૌથી મોટા ફ્લાવર મંડલાનો છે, જ્યારે બીજો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વના સૌથી મોટા ફ્લાવર પોર્ટ્રેટનો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે તૈયાર કરાયેલા ફ્લાવર મંડલાનું DGPS (Differential Global Positioning System) ટેક્નોલોજી દ્વારા ચોક્કસ માપ લેવામાં આવ્યું છે.

આપણ વાચો:આજથી અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો A to Z વિગત

અધિકૃત સર્વે રિપોર્ટ અનુસાર આ ભવ્ય ફ્લાવર મંડલાનો વ્યાસ આશરે 33.6 મીટર, કુલ વિસ્તાર 886.789 ચોરસ મીટર નોંધાયો છે. ઉચ્ચ ચોકસાઈવાળા DGPS સાધનો દ્વારા કરવામાં આવેલી આ માપણીને આધારે ફ્લાવર મંડલાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે માન્યતા આપવામાં આવી છે. અગાઉ 706.86 ચોરસ મીટર વિસ્તારનો ન્યૂનતમ બેન્ચમાર્ક નક્કી કરવામાં આવ્યો હતો.

આ સાથે જ રાષ્ટ્રીય એકતાનું પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પોર્ટ્રેટનું Total Station Survey તથા Measuring Tape દ્વારા માપણી કરવામાં આવી છે.

આપણ વાચો: ફ્લાવર શો 2026: રિવરફ્રન્ટ જવાના છો તો ટિકિટના ભાવ પણ જાણી લે જો?

સર્વે રિપોર્ટ મુજબ સરદાર પટેલના ફ્લાવર પોર્ટ્રેટની કુલ લંબાઈ 41.17 મીટર, પહોળાઈ 8 મીટર અને કુલ વિસ્તાર 329.360 ચોરસ મીટર નોંધાયો છે. આ માપદંડો આધારે આ પોર્ટ્રેટને World Largest Flower Portrait તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે માન્યતા મળી છે. અગાઉ આ કેટેગરીમાં ન્યૂનતમ બેન્ચમાર્ક 50 ચોરસ મીટર નક્કી કરવામાં આવ્યો હતો.

અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોએ છેલ્લા ત્રણ વર્ષથી સતત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવીને વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ શહેરને વૈશ્વિક મંચ પર અલગ ઓળખ અપાવી છે.

વર્ષ 2024માં આયોજિત ફ્લાવર શોમાં બનેલા લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર તેમજ વર્ષ 2025માં વિશ્વનું સૌથી મોટું ફ્લાવર બુકે બનાવવા બદલ ફ્લાવર-શોને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું, જેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે તરીકેનું સન્માન મળ્યું છે. આ વર્ષે 2026માં બે નવા વર્લ્ડ રેકોર્ડ સાથે ફ્લાવર શોએ સર્જનાત્મકતા, આયોજન ક્ષમતા અને ટેકનિકલ ચોકસાઈનો ઉત્તમ સમન્વય રજૂ કર્યો છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button