
અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ૨૦૨૬’નો શુભારંભ કરાવ્યો હતો. ‘ભારત એક ગાથા’ થીમ પર ઇન્ટરનેશનલ ફ્લાવર શૉની આ ૧૪મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતાં આ ભવ્ય ઉત્સવને આગામી તા. ૨૨ જાન્યુઆરી સુધી માણી શકાશે.



આ અવસરે મુખ્ય પ્રધાનના હસ્તે ‘સ્ત્રી સશક્તિકરણ’ની થીમ પર તૈયાર કરાયેલ સ્કલ્પચરનું અનાવરણ કરાયું હતું.
આ ફ્લાવર શૉમાં સરદાર પટેલના યોગદાનને સન્માન આપતું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરાયું છે, તેમજ યુનેસ્કો દ્વારા જાહેર ‘વિશ્વની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર- દિવાળી’ પર વિશેષ કૃતિ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

દેશની હાઈ-સ્પીડ રેલ, નવીનીકરણીય ઊર્જા, સ્પોર્ટ્સ ક્ષેત્રની સિદ્ધિઓ, અંતરિક્ષ ટેક્નોલોજી અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓને ફૂલોના માધ્યમથી રજૂ કરાઈ છે.

ભારતના નૃત્યો થીમ અંતર્ગત વિવિધ રાજ્યોના નૃત્યોને ફૂલના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે.



ખાસ ઑડિયો ગાઇડ પણ બનાવવામાં આવ્યા છે. ફ્લાવર શૉમાં વિવિધ સ્થળ પર ક્યૂઆર કોડ સ્કેન કરી ફૂલ, સ્કલ્પચર અને ઝોન વિષેની માહિતી મેળવી શકાશે.

આ સિવાય, સોવેનિયર શોપ, નર્સરી, ચાઇલ્ડ કૅર યુનિટ ઉપરાંત ફૂડ સ્ટોલ મુલાકાતીઓનાં આકર્ષણનાં કેન્દ્ર બની રહેશે.
આ પણ વાંચો…આજથી અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો A to Z વિગત



