ઈન્દિરા બ્રિજ પર તિરાડોના અહેવાલો બાદ તંત્રએ કરી સ્પષ્ટતાઃ જેને લોકો તિરાડ સમજે છે તે….

અમદાવાદ: તાજેતરમા જ અમદાવાદનો સુભાષ બ્રિજમાં તિરાડ પડવાથી ચર્ચામાં આવ્યો હતો. ત્યારે હવે અમદાવાદ અને ગાંધીનગરને જોડતા મહત્વપૂર્ણ એવા ઈન્દિરા બ્રિજ પર તિરાડો પડી હોવાના અહેવાલો મીડિયા અને સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. સત્તાધિકારીઓએ આ અહેવાલોને ભ્રામક અને તથ્યહીન ગણાવીને તેનું સત્તાવાર રીતે ખંડન કર્યું છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે પુલની સુરક્ષાને લઈને ફેલાવવામાં આવી રહેલી માહિતી ખોટી છે અને નાગરિકોએ આવી અફવાઓથી ગભરાવાની જરૂર નથી.
આ વિવાદના પગલે કેપિટલ પ્રોજેક્ટ ડિવિઝન-3 ના કાર્યપાલક ઈજનેર અને સબ-ડિવિઝન-18 ના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા સંયુક્ત રીતે સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું હતું કે જે ભાગને તિરાડ તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે, તે વાસ્તવમાં સ્ટ્રક્ચરલ તિરાડો નથી. સત્તાવાર અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આ ‘એક્સપાન્શન જોઈન્ટ્સ’ છે, જે સિવિલ એન્જિનિયરિંગની ડિઝાઈન મુજબ બે સ્પાન વચ્ચે જાણીજોઈને રાખવામાં આવે છે.
ઈજનેરોએ ટેકનિકલ સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે, તાપમાનમાં થતા ફેરફારોને કારણે પુલના મટીરિયલમાં થતા સંકોચન અને વિસ્તરણને સહન કરવા માટે આ જોઈન્ટ્સ અનિવાર્ય છે. આ કોઈ પણ પ્રકારનું નુકસાન કે ખામી દર્શાવતા નથી. વધુમાં, ઈન્દિરા બ્રિજનું સમયાંતરે ટેકનિકલ ઓડિટ કરવામાં આવે છે. તાજેતરમાં જ ‘ઇન્ફિનિટ કન્સલ્ટન્ટ’ દ્વારા કરવામાં આવેલા વ્યાપક ટેકનિકલ ઓડિટમાં પણ પુલના મુખ્ય માળખામાં કોઈ ખામી કે ક્ષતિ જોવા મળી નહોતી.
આ પણ વાંચો…સુભાષ બ્રિજનું નવનિર્માણ: રૂપિયા 250 કરોડના ખર્ચે પહોળો અને ફોરલેન બ્રિજ બનાવાશે…



