Top Newsઅમદાવાદ

અમદાવાદ ક્રિપ્ટોનું હબ તો બન્યું, પણ આવક જાહેર કરવા છતાં રોકાણકારોને મળી રહી છે ઈન્કમ ટેક્સની નોટિસ

અમદાવાદ: શહેરમાં ક્રિપ્ટો રોકાણકારની મુશ્કેલી વધી રહી છે. આઈટી રિટર્ન ફાઇલ કરતી વખતે ક્રિપ્ટોકરન્સીની આવક જાહેર કરવા છતાં અનેક કરદાતાને ઈન્કમ ટેક્સ વિભાગે નોટિસો પાઠવી છે, જેથી રોકાણકારોમાં મૂંઝવણ અને ચિંતા ફેલાઈ છે. અમદાવાદ પ્રથમ વખત ભારતના ટોચના 10 ક્રિપ્ટો ઇન્વેસ્ટિંગ શહેરમાં સામેલ થયું છે તેવા સમયે નોટિસ મળતાં મુદ્દો વધુ ગંભીર બન્યો છે.

રોકાણકારોને કેમ મળી રહી છે ઇન્કમ ટેક્સ નોટિસ

ટેક્સ એક્સપર્ટના કહેવા પ્રમાણે, ઘણા રોકાણકારોને તેમની ક્રિપ્ટો કમાણી માટે સ્પષ્ટતા માંગતી નોટિસ આપવામાં આવી છે. જોકે તેમણે રિટર્નમાં પહેલાથી જ આ જાહેર કર્યું હોવા છતાં નોટિસ મળતાં ગુંચવાયા છે. સૂત્રોના કહેવા પ્રમાણે, ક્રિપ્ટોના ટ્રાન્ઝેકશન ઘણી વખત વિદેશી એક્સચેન્જો અને ખાનગી વોલેટ્સ દ્વારા કરવામાં આવે છે. જેનાથી વેરિફિકેશન જટિલ બને છે. આ કારણે નોટિસ આપવામાં આવી હોઈ શકે છે.

અમદાવાદ દેશના ટોપ-10 ક્રિપ્ટો ઇન્વેસ્ટિંગ શહેરમાં

એક રિપોર્ટ અનુસાર અમદાવાદ ભારતના અગ્રણી ક્રિપ્ટો-ઇન્વેસ્ટિંગ શહેરોમાં 10મા ક્રમે છે. આ રેન્કિંગ શહેરના યુવાનોમાં ડિજિટલ એસેટ્સ પ્રત્યે વધતી જતી રુચિ દર્શાવે છે. જોકે, આ ઉછાળાએ ક્રિપ્ટો રોકાણકારોને આવકવેરા વિભાગની નજરમાં લાવી દીધા છે. સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ રજૂઆતમાં, અધિકારીઓએ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સને ‘હાઈ રિસ્ક’ તરીકે ગણાવી છે. ક્રિપ્ટોકરન્સી બેંકો અથવા નિયંત્રિત નાણાકીય સંસ્થાઓની સંડોવણી વિના સેકન્ડોમાં દેશો વચ્ચે ભંડોળ ખસેડવાની મંજૂરી આપે છે, જે ટેક્સ ટ્રેકિંગ અને અમલીકરણને પડકારરૂપ બનાવે છે.

ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા માત્ર FIU-માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જો પર જ ક્રિપ્ટો ટ્રેડિંગની મંજૂરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આવક જાહેર કરવામાં આવે ત્યારે પણ, ટેક્સના હેતુ માટે ક્રિપ્ટો વ્યવહારોને ટ્રેક કરવા અત્યંત મુશ્કેલ છે, જેથી પણ નોટિસ મળી શકે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે ઘણા ક્રિપ્ટો એક્સચેન્જો ભારતની બહાર કાર્યરત છે અને ઘણા FIU સાથે નોંધાયેલા નથી. આનાથી વિભાગની સમન્સ જારી કરવાની, વ્યવહારોની ચકાસણી કરવાની અથવા TDS એકત્રિત કરવાની ક્ષમતા મર્યાદિત થાય છે. આનો દુરુપયોગ મની લોન્ડરિંગ અને ટેરર ફાઇનાન્સિંગ માટે થઈ શકે છે. નિયમોનું પાલન કરતા રોકાણકારો પણ તપાસનો સામનો કરી રહ્યા છે. ઘણા લોકોએ સ્પષ્ટ નિયમો અમલમાં આવ્યા તે પહેલા ક્રિપ્ટો ખરીદ્યા હતા. હવે તેમણે આવક જાહેર કરી છે અને ટેક્સ પણ ચૂકવ્યો છે, છતાં નોટિસો આવતી રહે છે.

આ પણ વાંચો…મદ્રાસ હાઈકોર્ટે ક્રિપ્ટોકરન્સીને ભારતીય કાયદા હેઠળ ‘મિલકત’ તરીકે સ્વીકારી

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button