ડેટિંગ એપમાં મહિલાઓ સાથે વાત કરો છો તો સાવધાન! આ વેપારીએ ગુમાવ્યાં 1.60 કરોડ રૂપિયા…

અમદાવાદઃ સોશિયલ મીડિયા અને હનીટ્રેપ દ્વારા થતી છેતરપિંડીના કેસો રાજ્યમાં સતત વધી રહ્યાં છે. અમદાવાદમાં આવો એક ઠગાઈનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં અમદાવાદનો એક વેપારી હનીટ્રેપનો શિકાર બન્યો અને રૂપિયા 1.60 કરોડ ગુમાવવા પડ્યાં. વેપારીએ ક્રાઈમ બ્રાન્ચમાં હનીટ્રેપ અને ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી. આ હનીટ્રેપના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલાને મળવા માટે દિલ્હી જવું વેપારીને ભારે પડ્યું!
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એક ડેટિંગ એપ પર વેપારીની અને મહિલા સાથે ઓળખાણ થઈ હતી. પહેલા ડેટિંગ એપ પર મહિલા અને વેપારીએ વાતો કરી હતી. ત્યાર બાદ મહિલાએ વેપારીને દિલ્હી મળવા માટે બોલાવ્યો હતો. વેપારી જ્યારે મહિલાને મળવા માટે હોટલમાં પહોંચ્યો ત્યારે તેની સામે ડેટિંગ પર વાત થઈ હતી તે નહીં પરંતુ બીજી મહિલા મળવા માટે આવી હતી. આ મહિલાએ વેપારી પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો.
પહેલા 1.50 લાખ રૂપિયામાં સમાધાન કર્યું હતું પરંતુ…
આ મહિલાએ પોતાના અન્ય સાથીઓને બોલાવીને વેપારીને ધમકીઓ આપી હતી. એટલું જ નહીં પરંતુ આ ઠગો વેપારીને પોલીસ સ્ટેશન પણ લઈ ગયા હતાં. આરોપીઓએ પહેલા 1.50 લાખ રૂપિયા લઈને સમાધાન કરી લીધું હતું. પરંતુ વેપારી જ્યારે દિલ્હીથી પાછો અમદાવાદ આવ્યો ત્યારે આરોપીએ પાછો પોલીસના નામે ફોન કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન આરોપીઓએ વેપારી પાસેથી 1.60 કરોડ રૂપિયા પડાવ્યાં હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બિહારનો કૌશલેન્દ્ર આ ઠગાઈનો છે માસ્ટરમાઇન્ડ
આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદના આધારે કાર્યવાહી કરી અને બે આરોપીઓને દબાચી લીધા છે. આરોપીઓની ઓળખ પણ થઈ ગઈ છે. આરોપી કૌશલેન્દ્ર બિહારનો છે અને આરોપી અરૂણ ઝારખંડનો રહેવાસી છે. આરોપીઓએ વેપારી પાસેથી પડાવેલા રૂપિયાથી મોંઘી ગાડીઓ પણ લીધી હતી. આ કાંડનો માસ્ટરમાઇન્ડ કૌશલેન્દ્ર છે. કારણ કે, તે ટિંડર પર મહિલાઓની ફેક આઈડી બનાવીને લોકોને ફસાવતો હતો. જ્યારે બીજો આરોપી પીડિતો પાસેથી પડાવેલા રૂપિયાને સગેવગે કરતો હતો. આ બન્ને આરોપીઓ સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આપણ વાંચો: હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા સહિત 4 આરોપીના જામીન મંજૂર કરી કોર્ટે રાહત આપી…