અમદાવાદ હિટ એન્ડ રન કેસ: સિક્યોરિટી ગાર્ડને ઉડાવનાર સગીરના પિતાની ધરપકડ

અમદાવાદઃ શહેરના બોપલ વિસ્તારમાં 14મી સપ્ટેમ્બરની રાત્રે સિક્યોરિટી ગાર્ડને ઉડાવી દેનાર સગીરના બિલ્ડર પિતાની ધરપકડ કરવામાં આવી છે. પિતાએ બર્થડે પાર્ટીમાં જવા માટે દીકરાને મર્સિડીઝ કાર આપી હતી. સગીરે પુરપાટ વેગે કાર ચલાવી એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો હતો. પોલીસે પહેલા સગીર પુત્ર સામે ગુનો નોંધ્યો હતો.
બોપલ મર્સિડીઝ હિટ એન્ડ રન કેસ:
14મી સપ્ટેમ્બરે અમદાવાદના બોપલમાં અજાણ્યા વાહનની ટક્કરથી રોડ ક્રોસ કરી રહેલા સિક્યોરિટી ગાર્ડનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના ભાઈએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. તપાસમાં સામે આવ્યું હતું કે આ અકસ્માત કરનાર અમદાવાદના બિલ્ડરનો સગીર પુત્ર છે. તે તેના મિત્રની બર્થડે પાર્ટીમાં જવાનું કહીને કાર લઇ ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે તેણે અકસ્માર સર્જ્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આ સગીર મર્સિડીઝથી સિક્યોરિટી ગાર્ડને ઉડાવી ભાગતો નજરે ચડે છે.
કોર્ટે સગીરના 24મી સપ્ટેમ્બર સુધીના જામીનના આદેશ:
બીજી તરફ તપાસ કરનાર અધિકારીએ સીસીટીવી ફૂટેજ તેમજ નજરે જોનાર સાહેદના નિવેદનના આધારે BNSની કલમ 105 અને મોટર વેહિકલ એક્ટની કલમ ઉમેરવાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. સગીર તરફે કરાયેલી વચગાળાના જામીનની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, સગીર બીબીએના પ્રથમ વર્ષમાં ભણે છે. તેની પરીક્ષા હોવાથી વચગાળાના જામીન આપવામાં આવે. આથી કોર્ટે સગીરના ભાવિને ધ્યાને રાખી 24મી સપ્ટેમ્બર સુધી વચગાળાના જામીનનો આદેશ કર્યો હતો.
રાત્રે પાનના ગલ્લા ઉપર તમાકુ લેવા ગયા:
મૂળ ઉત્તરપ્રદેશના ગોવિંદ સિંહ રામબરન સિંહ (ઉ.વ.34) સાઉથ બોપલમાં રહીને સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતાં તેમજ તેમના ભાઈ જસવંત સિંહ રામબરન સિંહ પણ શાશ્વત એપાર્ટમેન્ટમાં સિક્યોરિટી તરીકે નોકરી કરે છે. બન્ને ભાઈઓ શનિવારે રાત્રિના સમયે ફરજ પર હતા. દરમિયાન સાડા અગિયારેક વાગ્યાના સુમારે ગોવિંદ સિંહ પાનના ગલ્લા ઉપર તમાકુ લેવા ગયા હતા.દરમિયાન ઘટના બની હતી