
અમદાવાદઃ ગુજરાતમાં તીવ્ર ગરમીની ઋતુ શરૂ થઈ છે. રાજ્યમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે. હવે આગામી દિવસોમાં આકરી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. શુક્રવારે રાજ્યમાં સિઝનનું સૌથી વધુ 44.5 ડિગ્રી તાપમાન ભુજમાં નોંધાયું હતું. હીટવેવની અસરથી અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. જે ગત વર્ષના એપ્રિલની સરખામણીએ આ વર્ષે એક અઠવાડિયા વહેલા ગરમીનો પારો 41 ડિગ્રીને પાર ગયો છે.
સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી
હવામાન વિભાગે આજથી આગામી 9મી તારીખ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. જ્યારે 6ઠ્ઠી એપ્રિલથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ હીટવેવની અસર વર્તાશે. આજે કચ્છ જિલ્લામાં ઓરેન્જ અને રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં તાપમાન 2થી 3 ડિગ્રી વધશે
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને મરાઠવાડામાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. પવનની દિશાથી હવામાન ગરમ રહે છે અને ભેજથી કેટલીક જગ્યાઓએ ધુમ્મસ જોવા મળ્યું હતું. રાજ્યમાં 8મી એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાનમાં થી 3 ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની શક્યતાઓ છે.
અમદાવાદમાં તાપમાનનો પારો 41ને પાર પહોચ્યો

શુક્રવાર 4થી એપ્રિલે રાજ્યમાં સિઝનનું સૌથી વધુ 44.5 ડિગ્રી તાપમાન ભુજમાં નોંધાયું હતું. જ્યારે અમદાવાદ સહિત અન્ય આઠ શહેરોમાં પણ ગરમીનો પારો 40ને પાર પહોંચી ગયો હતો. જેમાં અમદાવાદ, ભાવનગર, ડીસા, નલિયા, રાજકોટ અને અમરેલીનો સમાવેશ થાય છે. જેમાં અમદાવાદમાં ગત વર્ષના એપ્રિલની સરખામણીએ આ વર્ષે એક અઠવાડિયા વહેલા મહત્તમ તાપમાનનો પારો 41.3 ડિગ્રીએ પહોંચી ગયું છે. ગત વર્ષે 11મી એપ્રિલે 41.5 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. હવે અગામી ચાર દિવસ ગરમીમાં ક્રમશ: વધારો થશે.
છેલ્લા 10 વર્ષમાં ક્યારે ગરમી 41ને પાર પહોંચ્યો
હીટવેવની અસરથી 5મી એપ્રિલ શુક્રવારે અમદાવાદનું તાપમાન 41.3 ડિગ્રીએ પહોંચી ગયું હતું. આ પહેલા અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં 27મી એપ્રિલ 2016, 27મી માર્ચ 2017, 17મી એપ્રિલ 2018, 29મી માર્ચ 2019, 12 એપ્રિલ 2020, 28મી માર્ચ 2021, 15મી માર્ચ 2022, 10મી એપ્રિલ 2023, 29મી માર્ચ 2024, 10મી માર્ચ 2025ના રોજ ગરમીનો 41ને પાર પહોચ્યો હતો.
અરબ સાગર તરફથી ભેજ ખેંચાઈને આવવા ઉપરાંત વાતાવરણમાં નીચલા લેવલે ગરમ પવનો ફૂંકાવાનું શરૂ થઈ જતાં ગરમીનો પારો ઊંચકાવાનો શરૂ થઈ ગયો છે. હજુ 4 દિવસ ગરમીમાં વધારાની આગાહી છે.

લૂ અથવા હિટ સ્ટ્રોકથી બચવાના ઉપાય
પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી, લીંબુ શરબત, છાશ, તાડફળી, નારીયેળનું પાણી, ખાંડમીઠાનું દ્રાવણ અને ORS જેવા પ્રવાહીનું સેવન કરવું
1.નાગરીકોએ વધુ પડતો શ્રમ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું પણ ટાળવું
2.ભરબપોરે કામ પર જતા સમયે થોડો સમય છાયડામાં આરામ કરવો
3.ઠંડક માટે માથા પર ઠંડુ ભીનું કપડું રાખવું અને શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં.
4.ઉપવાસ કરવાનું ટાળવું
5.મંદિર, મસ્જિદ, થિયેટર, શોપીંગ મોલ જેવા ઠંડક વાળા સ્થળોએ જવું
6.ઘર, ઓફીસ અથવા અન્ય કામ કરતી જગ્યાએ પંખા, કુલર તેમજ ACનો ઉપયોગ કરવો.
7.સગર્ભા માતા, નાના બાળકો, વૃદ્ધો તેમજ અશક્ત અને બિમાર વ્યકિતઓનું ખાસ ધ્યાન રાખવું.
8.હીટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું
9.બહાર નીકળતા સમયે આખું શરીર અને માથું ઢંકાય તેવા સફેદ-સુતરાઉ અને ખુલ્લા કપડાં પહેરવા
10.બહાર નીકળતી વખતે ટોપી, ચશ્માં અને છત્રીનો ઉપયોગ કરવો
11.હીટવેવની આગાહીના દિવસોમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું.
12.બાળકો માટે કેસુડાનાં ફુલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો.
13.બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહી, બજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ટાળવો
14.લગ્ન પ્રસંગે દૂધ-માવાની બનાવેલી વાનગીઓ ખાવી નહી.
15.ચા – કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું.
16.ઘરની છત પર સફેદ રંગ, સફેદ ચૂનો અથવા સફેદ ટાઇલ્સ લગાવવી, જે ઘરનું તાપમાન ઘટાડશે.
લૂ લાગવાના (હીટવેવના) લક્ષણો
1.અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી
2.માથું દુ:ખવું, પગની પીંડીઓમાં દુઃખાવો થવો
3.શરીરનું તાપમાન વધી જવું
4.ખૂબ તરસ લાગવી
5.શરીરમાંથી પાણી ઓછું થઈ જવું
6.વધુ તાવ આવવો
7.ગરમ અને સૂકી ત્વચા
8.નાડીના ધબકારા વધવા
9.ઉલ્ટી થવી, ઉબકા આવવા
10.ચકકર આવવા, આંખે અંધારા આવવા
11.બેભાન થઈ જવું