અમદાવાદમાં તહેવારો પૂર્વે આરોગ્ય વિભાગ એક્શનમાં, ભેળસેળ યુક્ત માવા પનીરનો મોટો જથ્થો જપ્ત

અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારો પૂર્વે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમોએ અનેક સ્થળોએ માવા-પનીરના વેપારીઓની દુકાનો પર ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ભેળસેળ યુક્ત 933 કિલો માવા અને પનીરનો જથ્થો જપ્ત કર્યો છે.
આઠ વેપારીઓના ત્યાં દરોડા
આ અંગે મળતી માહિતી મુજબ દિવાળી તહેવારો પૂર્વે વેપારીઓ દ્વારા માવા, મીઠાઈ અને દૂધની બનાવટોનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય બજાર કાલુપુર અને વેજલપુરના 8 વેપારીઓના ધંધાના સ્થળેથી માવો, મલાઈ પનીર, દૂધનો હલવાનો અંદાજે રૂપિયા 6 લાખ હજારથી વધુ કિંમતનો 933 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે. અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે કાલુપુરની અમૃતલાલ મથુરાદાસ માવાવાલા, કે.કે. માવાવાલા, એસ. એસ. માવાવાળા, મે. હજારીલાલ શર્મા માવાવાળા, શ્રી કનૈયાલાલ માવાવાળા, ભગવાનદાસ માવાવાળા, પદમાવતી ડેરીની ગાડી અને વેજલપુરમાં વિજય ડેરીપર ચેકિંગ હાથ ધર્યું હતું.
146 ફુડ સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલ્યા
આ ઉપરાંત કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા નવરાત્રી દશેરાના તહેવારોમાં ખાણી પીણીના એકમો, પાર્ટી પ્લોટ સહિત વિવિધ સ્થળે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરી છે અને અત્યાર સુધીમાં 999 એકમોમાં ચેકિંગ હાથ ધરીને 146 ફુડ સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
પાંચ એકમોને સીલ કરાયા
જયારે નવરાત્રીમાં ઠેર ઠેર નાસ્તાના સ્ટોલ ઉભા કરાયા છે તેમાં ચેકિંગ કરીને એક જ તેલમાં વારંવાર તળીને નાસ્તા બનાવનાર 224 એકમોમાં ટોટલ પોલાર કાઉન્ટ ના ટેસ્ટ કરાયા છે. ફુડ વિભાગની ટીમે ગાયત્રી ખમણ-નિકોલ, પટેલ ખમણ અને ફરસાણ-નિકોલ, વિજય ભાજી પાવ- નરોડા, ડોમિનોઝ પિઝા- ઈસનપુર અને એવન ચિકન સેન્ટર- ભુદરપુરાના અગાઉ લીધેલા સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં પાંચ એકમોને સીલ કરાયા છે.
આપણ વાંચો: ગુજરાતમાં નવરાત્રીના છેલ્લા નોરતે કેવું રહેશે હવામાન, જાણો વિગતે…