
અમદાવાદઃ વિકાસ મોડલના દેશભરમાં વખાણ કરવામાં આવે છે. જોકે વાસ્તવિકતા કઈંક અલગ જ છે.અમદાવાદમાં મુંબઈ, ચેન્નઈ કરતાં પણ ઓછી ખુલ્લી જાહેજગ્યા હોવાનું એક રિપોર્ટમાં સામે આવ્યું છે. જે મુજબ અમદાવાદમાં માથાદીઠ માત્ર 0.5 ચોરસ મીટર ખુલ્લી જાહેર જગ્યા ઉપલબ્ધ છે, જે અન્ય મોટા ભારતીય શહેરોની સરખામણીમાં ઘણી ઓછી છે.
આ રિપોર્ટ મુજબ, અમદાવાદની માથાદીઠ ખુલ્લી જગ્યા ભારતની અર્બન રિજનલ ડેવલપમેન્ટ પ્લાન્સ ફોર્મ્યુલેશન એન્ડ ઈમ્પ્લીમેન્ટેશન (URDPFI) દ્વારા ભલામણ કરાયેલા 10-12 ચોરસ મીટર કરતાં નોંધપાત્ર રીતે ઓછી છે. મુંબઈ માથાદીઠ 1.08 ચોરસ મીટર, ચેન્નઈ 0.81 ચોરસ મીટર, અને કોલકાતા 0.67 ચોરસ મીટર માથાદીઠ ખુલ્લી જગ્યા છે.
અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મોટી વિસંગતતા
સૂત્રોએ જણાવ્યું કે, અમદાવાદમાં લો ગાર્ડન, પરિમલ ગાર્ડન, સાબરમતી રિવરફ્રન્ટ અને કાંકરિયા લેકફ્રન્ટ જેવા મુખ્ય ઉદ્યાનો હોવા છતાં, તેના મોટાભાગના ઉદ્યાનો ઘણા નાના છે. જાહેર ખુલ્લી જગ્યાઓનું વિતરણ અસમાન છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં પૂર્વ વિસ્તારોની તુલનામાં વધુ ગ્રીન સ્પેસ છે. સૂત્રો મુજબ, માથાદીઠ ખુલ્લી જગ્યામાં ફેરફાર થવો જરૂરી છે. તેમના મુજબ, નાગરિકો દરેક ગ્રીન એરિયાનો સંપૂર્ણ ઉપયોગ કરે છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મોટી વિસંગતતા છે.
સૂત્રો મુજબ, રેસિડેન્શિયલ અને કોમર્શિયલ સ્પેસનું ઓક્શન કરતા પહેલા મુખ્ય ખુલ્લી જગ્યાઓ ધ્યાનમાં લેવામાં આવે તે જરૂરી છે. ખુલ્લી જગ્યા સુનિશ્ચિત કરવા માટે અનેક યોજનાઓને મર્જ કરીને મોટા ઉદ્યાનો બનાવવા માટે ટાઉન પ્લાનિંગ સ્કીમનો ઉપયોગ કરવો જોઈએ.
ગાર્ડનના વિશ્લેષણમાં શું વિગત આવી સામે
અમદાવાદના 357 ગાર્ડનના કરવામાં આવેલા વિશ્લેષણ મુજબ, માત્ર 13 ટકા ગાર્ડનનું સરેરાશ ક્ષેત્રફળ 192 ચોરસ મીટર છે, જ્યારે કોમ્યુનિટી-લેવલના ગાર્ડનની સરેરાશ 145 ચોરસ મીટર અને અન્ય ગાર્ડનની સરેરાશ માત્ર 48 ચોરસ મીટર છે. વિસ્તારની દ્રષ્ટિએ વાડજમાં તેના કુલ વિસ્તારના લગભગ 0.3 ટકા ખુલ્લી જાહેર જગ્યા છે, બોપલમાં 0.7 ટકા અને થલતેજમાં 1.6 ટકા છે.
સૂત્રોએ જણાવ્યું કે, અમદાવાદના 40 ટકા પરિવારોને પબ્લિક પાર્ક શોધવા માટે 300 મીટરથી વધુ મુસાફરી કરવી પડે છે. જેમ જેમ અમદાવાદનો વિકાસ થતો જાય છે, તેમ તેમ તેના રહેવાસીઓના જીવનની ગુણવત્તા વધારવા અને વધુ સ્વસ્થ, વધુ ટકાઉ શહેરી વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે ખુલ્લી જાહેર જગ્યાઓની અછતને દૂર કરવી મહત્ત્વપૂર્ણ હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.



