અમદાવાદ

અમદાવાદમાં મુસ્લિમ ગુટખા કિંગે અશાંત ધારાનો ભંગ કરીને બનાવેલો કરોડોનો બંગલો તોડી પડાયો

અમદાવાદઃ શહેરમાં મુસ્લિમ ગુટખા કિંગ અશાંત ધારાનો ભંગ કરીને બનાવેલો કરોડોનો બંગલો તોડી પાડવામાં આવ્યો હતો. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત પી. શાહે મુખ્ય પ્રધાનને પત્ર લખીને રજૂઆત કરી હતી કે, અશાંત ધારા હેઠળ આવતા પાલડી વિસ્તારમાં લઘુમતી સમુદાયના સભ્યો દ્વારા મિલકત ખરીદવી એ કાયદાનો ભંગ છે. ધારાસભ્યના જણાવ્યા મુજબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ઓફિસથી કોચરબ આશ્રમ વચ્ચેની આવી અનેક મિલકતો હાલ તપાસના દાયરામાં છે.

મકાન વેચનારે ગુટખા કિંગને પરત કરવી પડશે રકમ

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે નૂતન સર્વોદય સોસાયટીના નવ જેટલા બંગલાઓ ગુજરાતના ગુટખાના વ્યવસાય સાથે સંકળાયેલા મુસ્તુફામિયા હુસૈનમિયા શેખ (મુસ્તુફા માણેકચંદ) દ્વારા ખરીદવામાં આવ્યા હતા. આ મામલે વેસ્ટ ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ અને સુનાવણી બાદ, અશાંત ધારાના ઉલ્લંઘન બદલ આ વેચાણ વ્યવહારને ગેરકાયદેસર અને રદબાતલ જાહેર કરવામાં આવ્યો હતો.

કલેક્ટરના આદેશ મુજબ, આ મિલકતો છ મહિનાની અંદર મૂળ માલિકોને પરત સોંપવાની રહેશે. વધુમાં, જે સ્થાનિકોએ કાયદાનું ઉલ્લંઘન કરીને મુસ્તુફા શેખને પોતાના મકાનો વેચ્યા હતા, તેમણે મળેલી રકમ ખરીદનારને પરત કરવી પડશે.

લાંબા સમયથી ચાલી રહ્યો હતો વિવાદ

ઉલ્લેખનીય છે કે ગઈકાલે શહેરના પાલડી વિસ્તારમાં આવેલી નૂતન સર્વોદય સોસાયટીમાં અશાંત ધારાના ભંગ બદલ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા એક લક્ઝરી બંગલાના ડિમોલિશનની કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે આ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડ્યું હતું. આ વિસ્તારમાં પ્રોપર્ટી ટ્રાન્સફરની કાયદેસરતા અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો અને અગાઉ અપાયેલી કાયદેસરની નોટિસોનું પાલન ન થતા અંતે તંત્ર દ્વારા તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button