Top Newsઅમદાવાદ

કાગળ પર કરોડોનો વેપાર: બોગસ બિલિંગ કૌભાંડમાં અમદાવાદ ગુજરાતમાં ટોચ પર

અમદાવાદઃ રાજ્યમાં સમયાંતરે નકલી જીએસટી બિલિંગ અને બોગલ ઈનપુટ ટેક્સ ક્રેડિટના મામલા સામે આવતા રહે છે. આ દરમિયાન અમદાવાદ આ મુદ્દે રાજ્યનું સૌથી મોટું હોટસ્પોટ બનીને ઉભર્યું છે. તપાસ એજન્સીઓ વારંવાર શેલ કંપનીઓ, ડમી ડાયરેક્ટર્સ અને માત્ર કાગળ પર થતાં વ્યવહારો દ્વારા આચરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કરે છે.

મળતી વિગત પ્રમાણે, સ્ટેટ જીએસટી (SGST) વિભાગ અને ડાયરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ (DGGI) દ્વારા 2019 થી 2026 ની શરૂઆત વચ્ચે કરવામાં આવેલી તપાસના આંકડા દર્શાવે છે કે, સમગ્ર ગુજરાતમાં હજારો કરોડના નકલી ઇન્વોઇસ જનરેટ કરવામાં આવ્યા હતા, જેમાં અમદાવાદ સતત મોટા કેસોનું કેન્દ્ર રહ્યું છે.

વર્ષ દર વર્ષે સામે આવેલા કૌભાંડો

2019: વડોદરા સ્થિત 66 ડમી કંપનીઓનું નેટવર્ક ઝડપાયું હતું. જેમણે આશરે ₹1,210 કરોડના નકલી બિલ બનાવી ₹177 કરોડની બોગસ ITC મેળવી હતી. આ જ વર્ષે ભાવનગરમાં ₹1,324 કરોડનું બિલિંગ કૌભાંડ અને સુરતમાં ₹42 કરોડનું કૌભાંડ પણ સામે આવ્યું હતું.

2020-21: CGST અધિકારીઓએ હિંમતનગર, પાટણ અને ગાંધીનગરમાં કાર્યરત શેલ કંપનીઓ સાથે જોડાયેલા ₹173 કરોડના નકલી ITC દાવાઓ શોધી કાઢ્યા હતા, જે દર્શાવે છે કે આ છેતરપિંડી મોટા શહેરોની બહાર પણ ફેલાઈ રહી હતી.

2021-22: DGGI એ અમદાવાદ અને જામનગરમાં ફેલાયેલા એક વિશાળ નેટવર્કનો પર્દાફાશ કર્યો, જેમાં ₹1,403 કરોડના નકલી બિલ અને ₹252 કરોડની છેતરપિંડી સામેલ હતી. તે જ સમયે, અમદાવાદમાં પોલીસે ₹2,435 કરોડના નકલી ઇન્વોઇસનું બીજું કૌભાંડ પકડ્યું હતું.

2022-23: આધાર-લિંક્ડ GST ફ્રોડની દેશવ્યાપી તપાસમાં જાણવા મળ્યું કે આવા કેસોમાં લગભગ 25 ટકા કનેક્શન ગુજરાત સાથે હતા. રાજ્યમાં 2,700 થી વધુ શંકાસ્પદ GST રજિસ્ટ્રેશન મળી આવ્યા હતા.

2023-24: SGST અધિકારીઓએ ₹6,030 કરોડના બોગસ ઇન્વોઇસ શોધી કાઢ્યા હતા, જેના કારણે અંદાજે ₹910 કરોડની ટેક્સ ચોરી થઈ હતી. તપાસ હેઠળની 282 કંપનીઓમાંથી 84 કંપનીઓ અમદાવાદમાં નોંધાયેલી હતી. જે ગુજરાતના કોઈપણ શહેર કરતા સૌથી વધુ છે.

તાજેતરના કિસ્સાઓ
વર્ષ 2024 ના અંતમાં અમદાવાદમાં ₹200 કરોડના બોગસ ITC ફ્રોડ બદલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 2026 ની શરૂઆતમાં, શહેરના એક ફાર્માસ્યુટિકલ જૂથ દ્વારા ₹20.68 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ઓક્ટોબર 2025માં, જામનગર સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ચલાવવામાં આવતા ₹560 કરોડના નકલી બિલિંગ રેકેટનો પણ પર્દાફાશ થયો હતો.

મોડસ ઓપરેન્ડી

SGST ના સૂત્રોએ જણાવ્યું હતું કે, નકલી GST બિલિંગ નેટવર્ક સામાન્ય રીતે ડમી ઓળખ, નકલી સરનામાં અને આધાર વિગતોનો દુરુપયોગ કરીને કંપનીઓની નોંધણી કરે છે. તેઓ માલના વાસ્તવિક સપ્લાય વિના ઇન્વોઇસ ઇશ્યૂ કરે છે, અને બોગસ ITC કાં તો કમિશન માટે વેચવામાં આવે છે અથવા ટેક્સ જવાબદારી ઘટાડવા માટે વપરાય છે. તપાસ એજન્સીઓ આવી શંકાસ્પદ પ્રવૃત્તિઓને ટ્રેક કરવા માટે ડેટા એનાલિટિક્સ અને સંકલન વધારી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે છેતરપિંડી કરનારાઓ પણ નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે.

એક સપ્તાહ અગાઉ ડીજીજીઆઈ રાજકોટ દ્વારા મોરબીના બે સિરામિક ગ્રુપ પર દરોડા પાડી અંદાજે 5.50 કરોડની જીએસટી ચોરી ઝડપી હતી. સનફેમ અને સનયુરો સિરામિક ગ્રુપ દ્વારા બિલ વગર મોટા પ્રમાણમાં કરચોરી કરવામાં આવતી હોવાની શંકાએ દરોડાની કાર્યવાહી કરી ફેકટરી, રહેણાંક અને ટ્રેડર્સને ત્યાં તપાસ કરવામાં આવતા પ્રાથમિક તપાસમાં જ 5.50 કરોડની કરચોરી સામે આવી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button