
અમદાવાદ: અમદાવાદના એક વેપારી સાથે તેના જ મિત્ર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા વિશ્વાસઘાત અને છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો હતો. આશરે ₹217 કરોડના બિલિંગનો ઉપયોગ કરીને GSTની ચોરી કરી હોવાનો આક્ષેપ છે. નંદન મહેતા અને મિતુલ ઘેલાણીએ ₹ 19.61 કરોડનો જીએસટી બચાવવા ખોટી સહીઓ કરી ₹ 197.93 કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા હતા.
શું છે સમગ્ર મામલો?
ફરિયાદી આદેશ્વરકુમાર મહેતા ‘મહેતા માર્કેટિંગ’ના નામથી મોબાઈલનો વેપાર કરે છે. 2014-15માં તેમના વેપારમાં VAT (વેલ્યૂ એડેડ ટેક્સ) સંબંધિત સમસ્યા ઊભી થઈ હતી. ત્યારે તેમના મિત્ર નંદન મહેતાએ તેમને CA મિતુલ ઘેલાણી સાથે ઓળખાણ કરાવી હતી. મિતુલ ઘેલાણીએ આદેશ્વરકુમારનું VATનું કામ કરી આપ્યું હતું, જેથી આદેશ્વરકુમારે પોતાની પેઢીનું CAનું કામ તેમને સોંપ્યું હતું.
આ પણ વાંચો: સુરત સાયબર ફ્રોડ કેસ: ₹1550 કરોડના કૌભાંડમાં 1.50 લાખ પાનાની ચાર્જશીટ દાખલ
ડિરેક્ટર બનવાની લાલચ આપીને ખાતું ખોલાવ્યું
2020માં નંદન મહેતાએ આદેશ્વરકુમારને તેમની કંપની ‘ઓમ કોટજીન પ્રા. લિ.’માં થોડા સમય માટે ડિરેક્ટર બનવા માટે સમજાવ્યા. આદેશ્વરકુમાર મિત્રતાના સંબંધે તૈયાર થઈ ગયા. 2021માં મિતુલ ઘેલાણીએ આદેશ્વરકુમારને જણાવ્યું કે VATના કેસ માટે એક બેંક ખાતું ખોલાવવું પડશે. આદેશ્વરકુમારે તેમના પર વિશ્વાસ મૂકીને નવરંગપુરાની મહેસાણા અર્બન કો.ઓપ. બેંકમાં ‘મહેતા માર્કેટિંગ’ના નામે ખાતું ખોલાવ્યું હતું.
આ ખાતું ખોલતી વખતે, આરોપી નંદન મહેતાએ આદેશ્વરકુમારની જાણ બહાર પોતાનો મોબાઈલ નંબર અને પોતાનું નામ નોમિની તરીકે લખાવી દીધું હતું, જેથી બેંકના તમામ મેસેજ તેના નંબર પર જતા હતા.
ખોટી સહીઓ કરીને કરોડોનો વહીવટ
આદેશ્વરકુમારને આ છેતરપિંડીની જાણ ત્યારે થઈ, જ્યારે તેમને GST વિભાગ તરફથી નોટિસ મળી. તેમણે બેંકમાં જઈને તપાસ કરતાં માલુમ પડ્યું કે તેમના ખાતામાં બે વર્ષ દરમિયાન ₹217 કરોડનું મોટું ટ્રાન્ઝેક્શન થયું હતું. આ ટ્રાન્ઝેક્શન માટે ચેક પર આદેશ્વરકુમારની ખોટી સહીઓ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદ AMCમાં વધુ એક ભરતી કૌભાંડ: હેડ ક્લાર્કે 8 ઉમેદવારના માર્કસ વધારી નોકરી અપાવી, તમામને સસ્પેન્ડ કરાયા
છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીની ફરિયાદ
આદેશ્વરકુમારે આ મામલે પોતાના મિત્ર નંદન મહેતા અને CA મિતુલ ઘેલાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે બંનેએ સાથે મળીને વિશ્વાસઘાત કરી, ખોટા ટ્રાન્ઝેક્શન કર્યા અને GSTની ચોરી કરી, જેના કારણે તેમને માથે GSTની નોટિસનો બોજ આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.