અમદાવાદમાં સરકારી વાહનચાલકો બેફામ બન્યા, 3 વર્ષમાં 132 અકસ્માત સર્જ્યા

અમદાવાદઃ શહેરમાં સરકારી વાહનોના ચાલકો પર કોન્ટ્રાક્ટરો કે તંત્રના અધિકારીઓનો કાબુ ન રહેતા બેફામ અને માતેલા સાંઢ બન્યા હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. તાજેતરમાં ગાયકવાડ હવેલી વિસ્તારમાં અમદાવાદ મનપાની ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ભયાનક અકસ્માતના સીસીટીવી દૃશ્યોમાં ડ્રાઈવરની બેદરકારી સ્પષ્ટપણે જણાઈ આવી હતી. જો કે કેટલાક વર્ષોમાં સરકારી વાહનચાલકો પણ બેફામ બની વાહનો હંકારે છે.
મળતી વિગતો મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં સરકારી વાહનોએ કુલ 132 અકસ્માત સર્જ્યા છે. આ 132 અકસ્માતમાં 42 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે 61 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. તો 20 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સૌથી વધુ અકસ્માત વર્ષ 2023માં સર્જાયા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેમાં સૌથી વધુ ટ્રાન્સપોર્ટ વિભાગના વાહનોએ અકસ્માત કર્યા હોવાનું બહાર આવ્યુ છે. એએમટીએસ, બીઆરટીએસ અને એસટી વિભાગના વાહનોના ચાલકો બેફામ સ્પીડે વાહન હંકારતા હોવાથી આ અકસ્માત સર્જાય છે.
આપણ વાંચો: 16 વર્ષના સગીરે બેફામ સ્કોર્પિયો ભગાવી 6 વાહનચાલકોને અડફેટે લીધા
અમદાવાદમાં વાહન અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જે એક ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી, શહેરના વિવિધ વિસ્તારોમાં અકસ્માતોની ઘટનાઓમાં વૃદ્ધિ જોવા મળી રહી છે, જેના કારણે જાનહાનિ અને ઇજાઓ થઈ રહી છે.