અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડયા, ધોળા દિવસે હત્યાથી લોકોમાં ફફડાટ | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડયા, ધોળા દિવસે હત્યાથી લોકોમાં ફફડાટ

અમદાવાદઃ શહેરમાં સતત વધી રહેલી ગુનાખોરી સતત ચિંતાનો વિષય બન્યો છે. ગુનેગારોને જાણે પોલીસનો ડર જ રહ્યો ન હોય એમ બેફામ બન્યા છે. દેશના સુરક્ષિત શહેર પૈકીના એક અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં ચાલી રહેલી ગેંગવોરમાં યુવકનું અપહરણ કરીને તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.

22 ઓગસ્ટ શુક્રવારના રોજ કેટલાક અસમાજીક તત્વોએ રોડની વચ્ચે જ 10થી વધુ લોકો ધારિયા જેવાં ઘાતક હથિયારો સાથે એક યુવક પર તૂટી પડ્યા હતા. થોડા સમય પહેલાં યુવકના ભાઈ પર જ્યાં હુમલો થયો હતો, એ જ સ્થળે યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી.

આપણ વાંચો: olitics: શું કોલ્હાપુરમાં વધતી ગુનાખોરીનું કારણ આ છે?

સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ

લોહિયાળ ગેંગવોરના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે કાગડાપીઠ પોલીસે વિજય, શૈલેષ અને પૂનમ પટણી નામના 3 આરોપીની ધરપકડ કરી હતી. અન્ય ફરાર આરોપીઓને પકડવા પાંચ ટીમ બનાવવામાં આવી છે.

આપણ વાંચો: અમદાવાદ પોલીસની ગુનાહિત ઈતિહાસ ધરાવતા 77 લોકોને ચેતવણીઃ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો

બદલો લેવા રચ્યો પ્લાન

આ હત્યાકાંડ વિપુલ અને સતીશ ગેંગ વચ્ચે છેલ્લા અઠવાડિયાથી ચાલી રહેલી ગેંગવોરનું પરિણામ છે. થોડા દિવસ પહેલા વિપુલ નામના યુવક પર સતીશ અને તેની ગેંગે જીવલેણ હુમલો કર્યો હતો.

આ હુમલાનો બદલો લેવા માટે વિપુલની ગેંગે સતીશને શોધવાનું ચાલું કર્યું હતું, પરંતુ સતીશ તો હાથમાં ના આવ્યો પણ તેનો ભાઈ દીપક ઉર્ફે હુક્કો હાથમાં આવી જતા તેના પર હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. આ હુમલા બાદ દીપકને હોસ્પિટલમાંથી રજા મળતા જ સતીશે બદલો લેવાનું કાવતરું રચ્યું હતું.

સતીશે પોતાના ભાઈ દીપક પર જ્યાં હુમલો થયો હતો તે જ જગ્યાએ વિપુલની ગેંગના નીતિનનું અપહરણ કરીને ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં નીતિનને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું.

પોલીસે આ મામલે હત્યા અને અપહરણનો ગુનો નોંધીને તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનાએ ફરી એકવાર સામાજિક વૈમનસ્ય અને કાયદાના શાસન સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button