અમદાવાદ

આ તારીખથી સેક્ટર-24 અને અક્ષરધામ સુધી પહોંચશે મેટ્રો: ગાંધીનગર-અમદાવાદ વચ્ચે મુસાફરી હવે મિનિટોમાં

અમદાવાદ: આગામી સમયમાં અમદાવાદથી ગાંધીનગર જવા માટે મેટ્રોનો ઉપયોગ કરનારા મુસાફરોને ગુજરાત મેટ્રો તરફથી સારા સમાચાર મળી શકે છે. આગામી 12 જાન્યુઆરીના રોજ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ સેવાના ફેઝ 2 અંતર્ગત સચિવાલયથી મહાત્મા મંદીર સુધીના અંતિમ રૂટનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતા છે. જેનો લાભ હજારો મુસાફરોને મળી રહેવાનો છે.

મળતી વિગતો અનુસાર, આગામી 12 જાન્યુઆરીના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ સેવાના ફેઝ-2 અંતર્ગત સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના અંતિમ રૂટનું લોકાર્પણ કરી શકે છે. આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન અમદાવાદના ઓલ્ડ હાઈકોર્ટ સ્ટેશનથી મેટ્રોમાં સવાર થઈ ગાંધીનગરના મહાત્મા મંદિર પહોંચશે, જ્યાં તેઓ જર્મન પ્રતિનિધિમંડળ સાથેના એક નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપશે. આ લોકાર્પણ સાથે જ બંને શહેરો વચ્ચે જાહેર પરિવહન સેવા વધુ સુદ્રઢ અને ઝડપી બનશે.

5.36 કિલોમીટર લાંબા આ વિસ્તૃત કોરિડોર પર પાંચ નવા સ્ટેશનો કાર્યરત થશે, જેમાં અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિરનો સમાવેશ થાય છે. આ વિસ્તરણને કારણે માત્ર ગાંધીનગરના 20 જેટલા સેક્ટરો અને આસપાસના ગામડાઓના રહીશોને જ નહીં, પરંતુ પ્રવાસીઓને પણ મોટો ફાયદો થશે. હવે અક્ષરધામ મંદિર અને દાંડી કુટીર જેવા મહત્વના પ્રવાસન સ્થળો સુધી મેટ્રો દ્વારા સરળતાથી પહોંચી શકાશે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા વિકસિત આ નેટવર્ક હવે કુલ 68 કિલોમીટરની લંબાઈ અને 54 સ્ટેશનોને આવરી લેશે. આ રૂટ ખાસ કરીને ગાંધીનગરના જૂના સચિવાલય સંકુલ અને સેક્ટર-16માં આવેલી આશરે 60 જેટલી સરકારી કચેરીઓમાં કામ કરતા હજારો કર્મચારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. મેટ્રો સેવા શરૂ થવાથી ખાનગી વાહનો પરની નિર્ભરતા ઘટશે, જેના પરિણામે ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને મુસાફરોને કિફાયતી તેમજ પર્યાવરણને અનુકૂળ મુસાફરીનો વિકલ્પ મળશે.

આ પણ વાંચો…અમદાવાદમાં મેટ્રોના મુસાફરોની સંખ્યા વધી, પરંતુ સરેરાશ આવક સ્થિર

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button