અમદાવાદ ફ્લાવર શોમાં માનવ મહેરામણ ઉમટ્યું, ઉત્તરાયણે અધધ લોકોએ લીધી મુલાકાત
Ahmedabad Flower Show 2025: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત અમદાવાદ ઈન્ટરનેશલ ફ્લાવર શોમાં લોકોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો. ઉત્તરાયણના દિવસે એક લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. 14 જાન્યુઆરી, 2025ના રોજ 1,01,889 લોકોએ ટિકિટ લઇને ફ્લાવર શો નીહાળ્યો હતો. તેમજ ફ્રી એન્ટ્રીમાં 12 વર્ષથી નીચેના 30,567 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કુલ 1,32,000થી વધુ લોકો ફ્લાવર શોમાં ઉમટ્યા હતા. જેને લઈ કિડિયારું ઉભરાયું હોય તેમ લાગતું હતું.
લોકોના ધસારાને લઇ ટિકિટની આવકમાં પણ ધરખમ વધારો થયો હતો. એક જ દિવસમાં કુલ 86,09,800 રૂપિયાની આવક થઈ હતી. જેમાંથી 48,16,690 રોકડ આવક હતી, જ્યારે 12,03,640ના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા હતા. તેમજ 25,89,470 રૂપિયાની આવક ઓનલાઇન બુકિંગથી થઈ હતી
લોકોના અભૂતપૂર્વ ધસારાને ધ્યાનમાં રાખીને ફ્લાવર શોની તારીખ લંબાવવામાં આવી હતી. 22 જાન્યુઆરી સુધી ચાલનારો ફલાવર શો હવે 24 જાન્યુઆરી સુધી ચાલશે. આ પહેલા સતત બીજા વર્ષે અમદાવાદ ફ્લાવર શોને ગિનીસ બુકમાં સ્થાન મળ્યું હતું. આ વર્ષે વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે ફરી એક વાર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી અમદાવાદને ફરી એક વાર વિશ્વ ફલક પર મૂક્યું હતું. પહેલા આ રેકોર્ડ યુનાઇટેડ આરબ એમિરેટસની અલ-એઇન મ્યુનિસિપાલિટી પાસે હતો. આ એવાર્ડ 7 બાય 7 મીટરના ફ્લાવર સ્ટ્રક્ચર માટે 18 ફેબ્રુઆરી 2024 ના રોજ એનાયત કરવામાં આવ્યો હતો. 7 જાન્યુઆરી, 2025ના રોજ ગિનિસ બુકની ટીમ દ્વારા કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા 10.24 મીટર હાઇટ અને 10.84 મીટર ત્રિજ્યા વાળા ફ્લાવર બૂકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બૂકે તરીકે સ્થાન પ્રાપ્ત થયું હતું. ગિનીસ બુકના અધિકારીઓની હાજરીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનની ટીમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.