અમદાવાદ

આજથી અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો A to Z વિગત

અમદાવાદઃ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આજથી ફ્લાવર શોનો પ્રારંભ થશે. આ વર્ષે ‘ભારત એક ગાથા’ થીમ પર આયોજિત આ શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક સિદ્ધિઓ સુધીની સફરને લાખો રંગબેરંગી ફૂલો દ્વારા જીવંત કરવામાં આવી છે.

વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોટ્રેટ

આ શોનું મુખ્ય આકર્ષણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરવામાં આવેલું 30 મીટરનું ભવ્ય ફૂલ મંડળ અને સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોટ્રેટ રહેશે. 22 જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં રાષ્ટ્રીય એકતા, પૌરાણિક કથાઓ, ભારતના વિવિધ નૃત્યો અને બાળકો માટેના વિશેષ ઝોન સહિત કુલ 6 ઝોનમાં અદ્ભુત ફૂલોથી બનેલા પ્રકલ્પો મન મોહી લેશે, જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓનલાઇન અને ઓફલાઇન ટિકિટ તેમજ પાર્કિંગની વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે.

શું છે ટિકિટના દર

ફ્લાવર શોની પ્રવેશ ફી સોમવારથી શુક્રવાર સુધી 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે રૂ. 80 તથા શનિવાર, રવિવાર તેમજ જાહેર રજાના દિવસે રૂ. 100 રહેશે. દિવ્યાંગો, સૈનિકો, 12 વર્ષ તથા નીચેની વયના બાળકો તથા અ.મ્યુ.કો. હસ્તકની શાળાના બાળકો માટે તમામ દિવસોએ નિ:શુલ્ક પ્રવેશ રહેશે. AMC સિવાયની સ્કૂલના બાળકો માટે સોમવારથી શુક્રવાર સવારે 9થી 1 સુધી રૂ. 10 રહેશે. મુલાકાતીઓ માટે સવારે 8થી 9 તેમજ રાત્રે 10 થી 11 સુધી પ્રાઈમ ટાઈમ સ્લોટમાં ટિકિટ રૂ. 500 રહેશે. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓનલાઇન ટિકિટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેના માટે QR કોડ જાહેર કરવામાં આવ્યો છે. જે સ્કેન કરી વિગતો ભરીને ઓનલાઇન પેમેન્ટ બાદ ટિકિટ મેળવી શકાશે, જે ટિકિટ બતાવીને ફ્લાવર શોમાં પ્રવેશ મેળવી શકાશે.

ફ્લાવર શો જોવા આવનાર મુલાકાતીઓને પ્રવેશ મેળવવા માટે ભીડ ન થાય તેના માટે 4 એન્ટ્રી ગેટ રાખવામાં આવ્યા છે. જેમાં એલિસ બ્રિજ પાસે ફ્લાવર પાર્ક ગેટ નંબર 1થી પ્રવેશ મેળવી શકશે. મલ્ટી લેવલ કાર પાર્કિંગ ફૂટ ઓવર બ્રિજ ઉપરથી અને સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતેથી પણ પ્રવેશ મેળવી શકશે. જે નાગરિકો રિવરફ્રન્ટ પૂર્વ છેડા તરફથી આવે છે તેઓ અટલ બ્રિજના પૂર્વ તરફના છેડા પર અટલ બ્રિજ પર થઈને પણ પ્રવેશ મેળવી શકશે.

ફ્રી પાર્કિંગના પ્લોટોની વિગત

1- પશ્ચિમ બાજુએ નહેરૂ બ્રિજથી એલિસ બ્રિજ વચ્ચે આવેલો પ્લોટ (બી. જે. પાર્કની સામેનો પ્લોટ)
2-પશ્ચિમ બાજુએ નહેરૂ બ્રિજથી એલિસ બ્રિજ વચ્ચે આવેલો પ્લોટ (બી. જે. પાર્કની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યા)
3-પશ્ચિમ બાજુએ સરદાર બ્રિજની નીચે આવેલી પાર્કિંગની જગ્યામાં
4-પશ્ચિમ બાજુએ સરદાર બ્રિજથી ચંદ્રનગર બ્રિજ ડાબી બાજુનો પ્લોટ (સ્પોટર્સ કોમ્પ્લેક્ષની ઉત્તરે આવેલા પ્લોટમાં)

પેઈડ પાર્કિંગના પ્લોટોની વિગત

A- પશ્ચિમ બાજુએ મલ્ટીલેવલ કાર પાર્કિંગની દક્ષિણે આવેલો ખુલ્લો પ્લોટ
B- પશ્ચિમ બાજુએ ઇવેન્ટ સેન્ટર ગેટ નં.4ની સામે આવેલો ખુલ્લો પ્લોટ
C- પૂર્વ બાજુએ આવેલો અટલ બ્રિજની પાસેનો ખુલ્લો પ્લોટ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button