અમદાવાદ ફ્લાવર શો તંત્ર માટે બન્યો ખોટનો ધંધો, 17 કરોડના આંધણ સામે થઈ માત્ર આટલી આવક

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ યોજાતા ફ્લાવર શોમાં આ વર્ષે તંત્રને તોતિંગ ખોટ થઈ હતી. આ વર્ષે 17 કરોડના ખર્ચની સામે તંત્રને 11 કરોડ જેટલી આવક થતાં 5 કરોડની ખોટ ગઈ હતી. ફ્લાવર શોની શરૂઆતના બે વર્ષમાં જ ખર્ચ સરભર થયો હતો, જે બાદ સતત ખર્ચા વધ્યા અને આવક ઘટી હતી.
સત્તાધીશોએ આ વર્ષે ફ્લાવર શોને સફળ બનાવવા 17 કરોડનો ખર્ચ કર્યો હોવા છતાં મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. ફ્લાવર શોને નબળો પ્રતિસાદ મળતાં તારીખ લંબાવવામાં આવી હોવા છતાં સ્થિતિમાં સુધારો થયો નહોતો. ચાલુ વર્ષે ફ્લાવર શોમાં વાસ્તવિક ખર્ચ છુપાવવામાં આવ્યા બાદ દેખીતી રીતે પાંચ કરોડ રૂપિયાથી વધુની ખોટ થઈ હોવાનું સામે આવ્યું હતું.
છેલ્લાં પાંચ વર્ષના ફ્લાવર શોનાં મુલાકાતીઓ, આવક અને ખર્ચના આંકડા પર નજર કરતાં સ્પષ્ય જણાય છે કે, ફ્લાવર શોના આયોજન પાછળ થતાં ખર્ચમાં એકદમ જંગી વધારો કરી દેવામાં આવ્યો છે. 2020 અને 2022-23ના ફ્લાવર શોના આયોજનમાં સામાન્ય ખર્ચ કરાયો હતો છતાં મુલાકાતીઓની સંખ્યા નોંધપાત્ર રહી હતી. તેમજ ખર્ચ સામે નહીંવત ખોટ થઈ હતી.
2025 અને 2026માં યોજાયેલા ફ્લાવર શો પાછળનાં ખર્ચ કરોડો રૂપિયા પર પહોંચ્યો છે અને તેની સામે આવક એટલી થઈ નથી. ફ્લાવર શોમાં દર વર્ષે ખર્ચ કરતાં આવકમાં નુકસાન જ થાય છે તેમ છતાં તેને નુકસાન કે ખોટ ગણવામાં આવતી નથી.
ફ્લાવર શોની છેલ્લા 5 વર્ષની વિગત
વર્ષ મુલાકાતી આવક ખર્ચ (અંદાજીત)
2022 8 લાખ 2.80 કરોડ 2.75 કરોડ
2022-23 10 લાખ 3.99 કરોડ 3.40 કરોડ
2023-24 10 લાખથી વધુ 2.23 કરોડ 11.44 કરોડ
2025 13 લાખથી વધુ 13.05 કરોડ 15.10 કરોડ
2026 11 લાખ 11.67 કરોડ 17 કરોડ



