અમદાવાદ

અમદાવાદના ગરબા આયોજકો આ બાબતોનું ધ્યાન રાખે! ફાયર વિભાગે જાહેર કરી ગાઈડલાઈન્સ

અમદાવાદ: રાજકોટ TRP ગેમઝોન ગનીકાંડ બાદ ગુજરાતમાં ફાયર સેફટીના નિયમો કડક બનાવવા અને તેનું ફરજીયાત પાલન કરાવવા રાજ્ય સરકાર પર દબાણ છે. નવરાત્રી દરમિયાન યોજાતા ગરબા ઇવેન્ટમાં ફાયર સેફટી (Fire safety in Garba events) માટે અમદાવાદ ફાયર બ્રિગેડે ગાઈડલાઈન્સ બહાર પાડી છે. તમામ ગરબા આયોજકોએ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવાનું રહેશે.

નવરાત્રી દરમિયાન ફાયર બ્રિગેડની ટીમ ગરબા કાર્યક્રમના સ્થળોનું સરપ્રાઈઝ ચેકિંગ કરશે. જો એક પણ નિયમનું પાલન નહીં થાય તો તરત જ ગરબા બંધ કરી દેવામાં આવશે અને પછીથી ગરબાને મંજૂરી આપવામાં આવશે નહીં.

ગાઈડલાઈન્સમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે:

  1. નવરાત્રિ દરમિયાન કોઈપણ મંડપ, પંડાલ, કામચલાઉ માળખાનું બાંધકામ શાળાઓ, હોસ્પિટલો અથવા જ્વલનશીલ સામગ્રીના ગોડાઉનથી દૂર કરવાનું રહેશે. ફાયર વિભાગના વાહનો ગરબા મેદાન સુધી પહોંચી શકે તે માટે આવી વ્યવસ્થા કરવી પડશે.
  2. નવરાત્રિ માટે મંડપના બાંધકામને કોઈપણ પ્રકારની ભઠ્ઠી, ઇલેક્ટ્રિક સબસ્ટેશન, ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર, ઇલેક્ટ્રિક હાઇ ટેન્શન લાઇન, રેલવે લાઇનથી દૂર રાખવાનું રહેશે. બે બાંધકામો વચ્ચે 2 મીટરથી વધુ અંતર રાખવાનું રહેશે.
  3. આયોજક કોઈપણ સ્ટ્રક્ચરની અંદર સ્ટોલ લગાવી શકશે નહીં, અથવા કોઈપણ પ્રકારનું પ્રવાહી અથવા વસ્તુ સંગ્રહિત કરી શકશે નહીં કે જે સ્ટ્રક્ચરના સ્ટેજની નજીક અથવા સ્ટેજની નીચે આગનું કારણ બની શકે.
  4. પંડાલની ક્ષમતા અનુસાર લોકોએ પ્રવેશ આપવાનો રહેશે, વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી એક ચોરસ મીટર જગ્યાના આધારે જ પ્રવેશ માન્ય રહેશે. નવરાત્રિ પંડાલમાં ફિક્સ પાર્ટીશન કરવામાં આવશે નહીં, ઇમરજન્સી સમયે લોકો સરળતાથી ઈમરજન્સી ગેટ તરફ જઈ શકે તે માટે ખુલ્લા રસ્તા બનાવવા પડશે.
  5. આયોજકોએ પંડાલમાં દરરોજ કેટલા લોકો પ્રવેશ કરે છે તેનો રેકોર્ડ રાખવાનો રહેશે. નવરાત્રિના આયોજકોએ ઓછામાં ઓછા બે દરવાજા રાખવાના રહેશે, જે એકબીજાથી વિરુદ્ધ દિશામાં બનાવવાના રહેશે. ગેટના આગળના ભાગમાં 5 મીટરનું ઓપનિંગ રાખવું ફરજિયાત રહેશે.
  6. નવરાત્રી ઇવેન્ટ દરમિયાન સ્ટ્રક્ચરની અંદર અને બહાર સરળતાથી વાંચી શકાય તે માટે સ્પષ્ટ ઓટો ગ્લાસમાં નો સ્મોકિંગ ઝોન, એક્ઝિટ, ઇમરજન્સી એક્ઝિટ બોર્ડ લગાવવાના રહેશે.
  7. આયોજકોએ 10 બેઠકો પછી બેઠક વ્યવસ્થામાં એક પેસેજ બનાવવાનો રહેશે, જેની પહોળાઈ ઓછામાં ઓછી દોઢ મીટર રાખવાની રહેશે.
  8. પેવેલિયનમાં ટેમ્પરરી સ્ટ્રક્ચરના સ્ટેજ, પડદા અને કાર્પેટને ફાયર પ્રૂફ પેઈન્ટ કરવાના રહેશે. ગરબા આયોજકોએ સરકાર માન્ય ઇલેક્ટ્રિકલ એન્જિનિયર દ્વારા ઇલેક્ટ્રિકલ વાયરિંગની તપાસ કરાવવી પડશે અને IS1646-1982 મુજબ ઇન્સ્ટોલેશન કરવું પડશે.
  9. પંડાલમાં વાયરિંગ પીવીસી કંડક્ટર અથવા ટફ રબર વલ્કેનાઈઝેશનનું હોવું જોઈએ, બધા સાંધા પોર્સેલેઈન ઈન્સ્યુલેટેડ કનેક્ટર્સથી બનાવવાના રહેશે. ડીઝલ જનરેટરને સ્ટેજ અને અન્ય પંડાલથી દૂર રાખવા પડશે.
  10. આયોજકોએ મોશન ફિલ્મ બતાવવા માટે સ્ક્રીન લગાવવી પડશે, જેમાં સેફ્ટી ફિલ્મ દર્શાવવી ફરજિયાત રહેશે.
  11. મંડપમાં રાખવામાં આવેલી માતાની મૂર્તિ પાસે રાખેલા દીવા નીચે રેતી રાખવાની રહેશે, મંડપની કામગીરી માટે ઓછામાં ઓછો એક સ્વયંસેવક ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે.
  12. મંડપમાં આવતા લોકોને માહિતી આપવા માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ રાખવી પડશે.
  13. મંડપમાં પાણીનો જથ્થો ફ્લોર એરિયાના ચોરસ મીટર દીઠ 0.75 લિટરથી ઓછો ન હોવો જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button