અમદાવાદ

અમદાવાદમાં વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડની છેતરપિંડી, 12 આરોપીની ધરપકડ…

અમદાવાદઃ ગુજરાતમાં સાયબર ક્રાઈમ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. સાયબર માફિયાઓ ‘ડિજિટલ અરેસ્ટ’ કરી લોકો પાસેથી નાણા ખંખેરી રહ્યા હોવાના અનેક કિસ્સા બહાર આવી ચુક્યા છે. જો કે અમદાવાદ શહેર સાયબર ક્રાઈમના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી ચોંકાવનારી છેતરપિંડીની ઘટના પ્ર્કાશમાં આવી છે. જેમાં એક 82 વર્ષીય વૃદ્ધને ત્રણ અઠવાડિયા સુધી ‘ડિજિટલ અરેસ્ટ’માં રાખીને ગઠીયાઓએ ₹7.12 કરોડ પડાવી લીધા હતા. આ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે સંકળાયેલા 12 આરોપીઓની ધરપકડ કરી હતી.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનીને અન્ય ઠગોએ વીડિયો કોલ કર્યો

છેંતરપિંડીની આ ચોંકાવનારી ઘટના અંગે મળતી માહિતી મુજબ 4 ડિસેમ્બરે થઈ હતી. વૃદ્ધને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં સામેની વ્યક્તિએ પોતે ટ્રાઈ (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા) નો અધિકારી હોવાનું જણાવી ધમકી આપી હતી. ઠગોએ કહ્યું હતું કે, વૃદ્ધના આધાર કાર્ડનો ઉપયોગ કરીને સેલિબ્રિટીઓને અશ્લીલ વીડિયો મોકલવામાં આવ્યા છે અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ છે. ત્યારબાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનીને અન્ય ઠગોએ વીડિયો કોલ કર્યો. તેમણે નરેશ ગોયલ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં વૃદ્ધનું નામ હોવાનું કહી ૨ કરોડના ગેરકાયદે વ્યવહારના નકલી પુરાવા બતાવ્યા હતા.

ભોગ બનનાર વૃદ્ધને વિશ્વાસમાં લેવા માટે ઠગોએ હદ વટાવી દીધી હતી. વૃદ્ધને વોટ્સએપ પર એક નકલી ઓનલાઈન કોર્ટની સુનાવણીમાં હાજર રખાયા, જ્યાં એક વ્યક્તિ સુપ્રીમ કોર્ટના જજ બનીને બેઠો હતો. તેમને 24 કલાક વોટ્સએપ વીડિયો કોલ ચાલુ રાખવા મજબૂર કરી ઘરમાં જ કેદ (ડિજિટલ અરેસ્ટ) કરી દેવાયા. સીબીઆઈ, આરબીઆઈ, ઈડી અને ઇન્ટરપોલના લોગોવાળા નકલી પત્રો અને ધરપકડ વોરંટ મોકલીને તેમને જેલ અને બદનામીનો ડર બતાવવામાં આવ્યો હતો.

16 થી 26 ડિસેમ્બર દરમિયાન, તપાસના નામે વૃદ્ધ પાસેથી તેમના બેંક ખાતા, પ્રોપર્ટી અને ડિમેટ એકાઉન્ટની વિગતો મેળવી લેવાઈ. ‘વેરિફિકેશન’ પછી પૈસા પરત મળી જશે તેવા ખોટા વિશ્વાસ સાથે વૃદ્ધે ₹7.12 કરોડ આરટીજીએસ અને ચેક દ્વારા ઠગોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

પોલીસે 12 આરોપીની ધરપકડ કરી

પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાં 1. દશરથભાઈ જીવાભાઈ નાયક (44), રિક્ષા ચાલક, રહેવાસી: વેજલપુર, અમદાવાદ 2. બ્રિજેશ ઉર્ફે અક્ષય ભરતભાઈ શાહ (38), રિક્ષા ચાલક, રહેવાસી: વેજલપુર, અમદાવાદ 3. હિતેન્દ્ર વિનોદભાઈ સોલંકી (39), ડ્રાઈવર, રહેવાસી: વેજલપુર, અમદાવાદ 4. વિજયકુમાર ગૃહપ્રસાદ કોરી (44), ખાનગી નોકરી, રહેવાસી: સરદારનગર, અમદાવાદ 5. નયન ઉર્ફે ગોવિંદભાઈ હિંસુ (પટેલ) (42), ખાનગી નોકરી, રહેવાસી: નિકોલ, અમદાવાદ 6. જલદીપભાઈ રમેશભાઈ ડાખરા (32), વ્યવસાય (માર્કેટિંગ), રહેવાસી: સુરત 7. રોહન કિશોરભાઈ પટેલ (24), વ્યવસાય, રહેવાસી: સુરત 8. સુનીલભાઈ બાબુભાઈ ધામેચા (28), વ્યવસાય, રહેવાસી: સુરત, 9. જનકકુમાર ઉર્ફે જય ભીખાભાઈ ગધાદરા (30), વ્યવસાય, રહેવાસી: સુરત, 10. રાહુલ કાનજીભાઈ મોરડીયા (પટેલ) (33), વ્યવસાય, રહેવાસી: સુરત, 11. અનિલભાઈ શામજીભાઈ મોરડીયા (પટેલ) (41), લેબર કોન્ટ્રાક્ટર (મજૂર કોન્ટ્રાક્ટર), રહેવાસી: સુરત, 12. અનિકેત મહેશભાઈ ધોળા (પટેલ), વ્યવસાય, રહેવાસી: સુરતનો સમાવેશ થાય છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button