અમદાવાદના CA તેહમૂલ સેઠનાની 6.80 કરોડની સંપત્તિ EDએ જપ્ત કરી, જાણો શું છે મામલો?

અમદાવાદ: ઈડીએ અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેહમૂલ સેઠનાની 6.80 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. ઈડીની અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા આ અંગેની સત્તાવાર જાણકારી આપવામાં આવી હતી.
ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 હેઠળ સેઠના વિરુદ્ધ ચાલી રહેલી તપાસના સંબંધમાં તેની સંપત્તિઓ જપ્ત કરી હતી. આ જપ્ત કરાયેલી સંપત્તિઓમાં એક બંગલો અને બે ખુલ્લા પ્લોટનો સમાવેશ થાય છે, જેની કિંમત 6.80 કરોડ રૂપિયા છે.
આપણ વાંચો: સટ્ટાબાજી એપ્સ મામલો: 29 ફિલ્મ કલાકારો અને ઇન્ફ્લ્યુએન્ઝર્સ ઈડીના રડાર પર
સેઠના પર ગુનાહિત ષડયંત્ર, નકલી દસ્તાવેજો બનાવવા અને છેતરપિંડીનો આરોપ છે. ઈડી દ્વારા અમદાવાદ શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદના આધારે શરૂ કરાયેલી તપાસમાં સામે આવ્યું કે તેહમૂલ સેઠના એક કાર્યરત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા, જે વિવિધ માનવીય અને કલ્યાણકારી પરિયોજનાઓના અમલીકરણ માટે સમર્પિત ટ્રસ્ટ એનવાયરમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરની તમામ બાબતો સંભાળતા હતા.
સેઠના પરટ્રસ્ટીઓની જાણકારી વિના તેમના નકલી હસ્તાક્ષર કરીને ટ્રસ્ટના બેંક ખાતામાંથી 6.85 કરોડ રૂપિયાનો ગેરકાયદે ઉપાડ કર્યો હોવાનો આરોપ છે. ઈડીની તપાસથી જાણવા મળ્યું કે ટ્રસ્ટના બેંક ખાતામાંથી કરાયેલા ઉપાડને આરોપીએ અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા આગળ વધારી હતી.આ તથ્ય સામે આવતાં ઈડીએ સેઠનાની 6.80 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. આ મામલે હજુ પણ તપાસ ચાલુ છે.