Ahmedabad ના દિવ્યાંગ ઓમ વ્યાસને રાષ્ટ્રપતિના હસ્તે બાળ પુરસ્કાર એનાયત, અસાધારણ સિદ્ધિઓ હાંસલ

અમદાવાદઃ અમદાવાદ(Ahmedabad)શહેરના 18 વર્ષીય દિવ્યાંગ ઓમ જીગ્નેશ વ્યાસે રાષ્ટ્રીય સ્તરે પોતાના પરિવાર સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. ડિસેમ્બર મહિનાના અંતમાં વીર બાળ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત સમારંભમાં દેશના વિવિધ રાજ્યમાંથી આવેલા 17 બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના અમદાવાદ શહેરમાં રહેતા દિવ્યાંગ બાળક ઓમ જીગ્નેશ વ્યાસને પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
સુંદરકાંડ અને ભાગવત ગીતા સહિતના 2000થી પણ વધુ શ્લોક કંઠસ્થ
શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ ઓમ જીગ્નેશ વ્યાસને સુંદરકાંડ અને ભાગવત ગીતા સહિતના 2000થી પણ વધુ શ્લોક કંઠસ્થ છે. ઓમ વ્યાસની વિશેષતા એ છે કે તે બિલકુલ પણ લખી કે વાંચી શકતો નથી, પરંતુ તેને સુંદરકાંડ તથા ભગવત ગીતાના શ્લોકો સહિત સંસ્કૃતના 2000થી વધુ શ્લોકો કંઠસ્થ છે. તેણે જાતે જ આ સિદ્ધિ ફક્ત શ્લોક સાંભળીને હાંસલ કરી છે. ઓમની આવી ટેલેન્ટને કારણે તેનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ, એશિયા બુક ઑફ રેકોર્ડ્સ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, જેવી અલગ-અલગ 18 રેકોર્ડ બુક્સમાં નામ નોંધાયું છે. તેના માટે મનોરંજનનું સાધન માત્ર આધ્યાત્મિક ભક્તિ ગીતો છે. ઓમની ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમતેમ આધ્યાત્મિક ક્ષેત્ર તેની અભિરુચિ વધતી જાય છે. ઓમને અન્ય કોઈ સ્થળ પર જવા કરતા મંદિરે જવું ખૂબ જ પસંદ છે.
ઓમ જ્યારે છ મહિલાનો હતો, ત્યારથી જ તેને સેરેબ્રલ પાલ્સી નામની તકલીફ છે, બાળપણથી જ તેનો શારીરિક અને માનસિક વિકાસ રૂંધાઇ ગયો હતો. હાલમાં તેની ઉંમર 18 વર્ષથી પરંતુ તેની દિમાગી હાલત ચાર વર્ષના બાળક જેટલી જ છે. તેનું દરેક કાર્ય તેના પરિવાર દ્વારા જ કરવામાં આવે છે.
ઓમ 90 ટકા દિવ્યાંગ છે. તે લખી કે વાંચી શકતો નથી
દિવ્યાંગ ઓમ વ્યાસના માતા વર્ષાબેન વ્યાસે જણાવ્યું હતું કે, ઓમ 90 ટકા દિવ્યાંગ છે. તે લખી કે વાંચી શકતો નથી, પરંતુ તેને સુંદરકાંડ તથા ભગવત ગીતાના શ્લોકો કંઠસ્થ છે. આ ઉપરાંત હનુમાન ચાલીસા, શિવ મહિમ્ન સ્ત્રોત, શિવ માનસ પૂજા, રામ રક્ષાસ્ત્રોત, શિવ તાંડવ, ગાયત્રી મંત્ર, ગાયત્રી ચાલીસા અને મારી હૂંડી સ્વીકારો મહારાજ, શંભુ શરણે પડી વગેરે જેવા ભજનો કંઠસ્થ છે અને નવાઈની વાત કે આ બધું ઓમ વ્યાસે સાંભળી સાંભળીને કંઠસ્થ કર્યું છે.