અમદાવાદમાં ૧૩ વર્ષની સગીરા પર ડિલિવરી બોયએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદથી ખળભળાટ

અમદાવાદઃ શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક ૧૩ વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. ડિલિવરી બોયે ચિઠ્ઠી લખીને સગીરાને મોબાઈલ નંબર આપ્યા બાદ મિત્રતા કેળવી હતી અને દુષ્કર્મ આચર્યું હતું. પરિવારે ફરિયાદ નોંધાવતા આરોપી ઉજ્જૈન નાસી ગયો હતો.
મળતી વિગતો અનુસાર, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ડિલિવરી બોયે 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા વેંત જ આરોપી ઉજ્જૈન નાસી છૂટયો હતો, જેને ચાંદખેડા પોલીસે દબોચી લીધો હતો.
પોલીસ તરફથી મળેલી વિગતો અનુસાર, ડિલિવરી બોય તરીકે કામ કરતો જય પરમાર નામનો આરોપી સગીરાની સોસાયટીમાં ઓર્ડરની ડિલિવરી આપવા આવતો હોય આ દરમિયાન આરોપી સગીરા સાથે સંપર્ક કરવા માટે કાગળમાં મોબાઇલ નંબર લખીને આપ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી અને સોશિયલ મીડિયાના માધ્યમથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.
એક દિવસ ઘરેથી બહાનું બનાવીને સગીરા આરોપીને મળવા ગઈ હતી અને આ દરમિયાન આરોપીએ સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સગીરાએ ઘરે આવીને જાણ કરી હતી અને આથી પરિવારે તાત્કાલિક ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપી જય પરમાર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પરિવારે ફરિયાદ નોંધાવતા આરોપી ઉજ્જૈન નાસી ગયો હતો, પરંતુ પોલીસ આરોપીને ઝડપી લીધો હતો.



