ડાયરેક્ટરના નામે આદેશ, કર્મચારીએ માની લીધો સાચો: એક વોટ્સએપ મેસેજથી કંપનીને લાગ્યો રૂ.90 લાખનો ચૂનો | મુંબઈ સમાચાર
અમદાવાદ

ડાયરેક્ટરના નામે આદેશ, કર્મચારીએ માની લીધો સાચો: એક વોટ્સએપ મેસેજથી કંપનીને લાગ્યો રૂ.90 લાખનો ચૂનો

અમદાવાદ: શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં યુ આર એનર્જી પ્રા. લિ. (UR Energy Pvt. Ltd.) કંપનીમાં જનરલ મેનેજર (ટેકનિકલ) તરીકે ફરજ બજાવતા અલ્પેશ ધરમસિંહ દેસાઈએ પોતાની કંપની સાથે થયેલી રૂ. 90 લાખની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે. ઠગબાજોએ કંપનીના ડાયરેક્ટરની ઓળખ આપીને આ છેતરપિંડી આચરી હતી.

ડાયરેક્ટરના નામે વોટ્સએપ મેસેજથી છેતરપિંડી

ફરિયાદની વિગતો અનુસાર, અલ્પેશ દેસાઈના જણાવ્યા મુજબ, ગત તા. 15-10-2025ના રોજ રાત્રે આશરે નવેક વાગ્યે તેમના વોટ્સએપ પર મોબાઈલ નંબર પર મેસેજ આવ્યો હતો, જેના DP પર તેમની કંપનીનો લોગો હતો. મેસેજ કરનારે પોતાને કંપનીના મુખ્ય ડાયરેક્ટર વિષ્ણુભાઈ વિઠ્ઠલદાસ પટેલ તરીકે ઓળખ આપી હતી અને જણાવ્યું હતું કે તેમનો જૂનો નંબર બંધ થઈ ગયો છે અને આ નવો નંબર ચાલુ કર્યો છે.

આ પણ વાંચો : સાયબર ક્રાઇમની નવી રાજધાની? સુરત બન્યું દેશનું સૌથી મોટું ‘માલવેર સંક્રમિત’ શહેર! રિપોર્ટમાં દાવો

કર્મચારીના વિશ્વાસનો ફાયદો ઉઠાવ્યો

ત્યારબાદ બીજા દિવસે સવારે આ નંબર પરથી અલ્પેશ દેસાઈના મોબાઈલ પર મેસેજ આવ્યો કે જૂનો નંબર બંધ હોવાથી સ્ટાફના નંબર નથી. તેથી ઓફિસ પર હાજર સ્ટાફના નંબર મોકલી આપવા કહ્યું. અલ્પેશભાઈએ તરત જ કર્મચારી કુણાલ પટેલ અને કિશન દવેના નંબર મોકલી આપ્યા હતા. ત્યારબાદ તે નંબરના ધારકે કુણાલ પટેલને કંપનીના ફંડ બાબતે પૂછપરછ કરી હતી. કુણાલે તપાસ કરીને ફંડની વિગતો આપી. તરત જ ઠગબાજે ICICI બેંકના ‘રાજ એજ્યુકેશન ટ્રસ્ટ’ નામના એકાઉન્ટમાં તાત્કાલિક રૂ. 90,00,000 RTGS દ્વારા મોકલી આપવા જણાવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતમાં સાયબર ક્રાઇમ્સમાં 41 ટકાનો વધારો: છેતરપિંડીના કેસમાં ૮૦ ટકાનો વધારો

90 લાખ રૂપિયાનું RTGS થયું

ડાયરેક્ટરના આદેશનું પાલન કરતા કુણાલ પટેલે એકાઉન્ટ વિભાગના પ્રવિણસિંહ રાઓલને બેંકની વિગતો આપી RTGS કરવાનું જણાવ્યું હતું. પ્રવિણસિંહ રાઓલે બેંકમાં જઈને તરત જ આ રકમ RTGS દ્વારા ટ્રાન્સફર કરી દીધી હતી અને સ્લિપનો ફોટો વોટ્સએપ પર મોકલી આપ્યો હતો. ટ્રાન્સફર બાદ, તે નંબર પરથી બીજા ફંડ બાબતે પણ તપાસ કરી રાખવાનો મેસેજ આવતા કુણાલ પટેલને શંકા ગઈ હતી. તેમણે તાત્કાલિક કંપનીના ડાયરેક્ટર વિષ્ણુભાઈ પટેલને તેમના ઓરિજિનલ નંબર પર કોલ કરીને આખી વાત જણાવી હતી. ત્યારે જાણ થઈ કે તેમની સાથે કોઈએ ઓળખની ચોરી કરીને છેતરપિંડી કરી છે. કંપનીએ તાત્કાલિક 1930 નંબર પર કોલ કરીને ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. પોલીસે IT એક્ટ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button